રશિયાની સ્કૂલોમાં મોટો ફેરફાર: 13 વર્ષના બાળકોને ભણાવાશે મશીનગન અને ગ્રેનેડ ચલાવવાની તાલીમ
-
નાગરિકશાસ્ત્રના અભ્યાસક્રમમાં ફેરફાર કરી મશીનગન, એન્ટી-ટેન્ક હથિયારો અને હેન્ડ ગ્રેનેડની તાલીમ ઉમેરાઈ
-
13 વર્ષ જેટલી નાની વયના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક સારવાર અને સૈન્ય શિસ્તના વર્ગો ફરજિયાત કરાયા
-
શિક્ષણ મંત્રાલયના આદેશ મુજબ 'માતૃભૂમિની સુરક્ષાના સિદ્ધાંતો' કોર્સ હેઠળ અડધા વર્ગો સૈન્ય તાલીમના રહેશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
રશિયામાં શાળાકીય શિક્ષણ વ્યવસ્થામાં મોટો અને ચોંકાવનારો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. શાળાઓમાં પરત ફરી રહેલા વિદ્યાર્થીઓના નાગરિકશાસ્ત્ર (Civics) ના અભ્યાસક્રમમાં મૂળભૂત સૈન્ય તાલીમને મુખ્ય અને ફરજિયાત વિષય તરીકે સામેલ કરવામાં આવી છે. આ નવા નિયમ હેઠળ 13 વર્ષ જેટલી નાની વયના કિશોરો માટે પણ હથિયારોની તાલીમ ફરજિયાત બનાવી દેવામાં આવી છે.
શિક્ષણ મંત્રાલયના નિર્દેશ મુજબ, 'માતૃભૂમિની સુરક્ષા અને સંરક્ષણના પાયાના સિદ્ધાંતો' નામના નવા કોર્સ હેઠળ અઠવાડિયાના અડધા વર્ગોમાં પ્રાથમિક સૈન્ય પ્રશિક્ષણ આપવું અનિવાર્ય રહેશે. આ વર્ગોમાં વિદ્યાર્થીઓને મશીનગન, એન્ટી-ટેન્ક હથિયારો, હેન્ડ ગ્રેનેડ (હાથગોળા) ચલાવવા સહિતની તાલીમ આપવામાં આવશે. આ સાથે બાળકોને યુદ્ધ મેદાન પર ઈમરજન્સી પ્રાથમિક સારવાર (ફીલ્ડ મેડિસિન), સૈન્ય શિસ્ત, રશિયાની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ અને સશસ્ત્ર દળોના માળખા વિશે પણ વિસ્તૃત માહિતી અપાશે.
અગાઉ સોવિયેત યુનિયન (USSR) ના સમયમાં પણ શાળાઓમાં રાઇફલ એસેમ્બલ કરવા જેવી પ્રાથમિક તાલીમ આપવામાં આવતી હતી, જેનું હવે પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો અને વિદેશમાં રહેતા રશિયન શિક્ષકોના મતે, આ પગલું ભવિષ્યના યુદ્ધો માટે નવી પેઢીના સૈનિકો તૈયાર કરવા અને યુવા પેઢીમાં લશ્કરી માનસિકતા કેળવવાના હેતુથી લેવામાં આવ્યું છે.
રશિયાની સ્કૂલોમાં સૈન્ય તાલીમ ફરજિયાત
રશિયામાં 13 વર્ષથી મોટી વયના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં સૈન્ય તાલીમ ફરજિયાત કરવામાં આવી છે. નાગરિકશાસ્ત્ર કોર્સ હેઠળ બાળકોને મશીનગન, હેન્ડ ગ્રેનેડ અને એન્ટી-ટેન્ક હથિયારો ચલાવવાનું તેમજ ઈમરજન્સી સારવાર શીખવવામાં આવશે. સોવિયેત યુગની યાદ અપાવતા આ પગલાંથી શિક્ષણનું મોટા પાયે સૈન્યીકરણ થઈ રહ્યું છે.