નેપાળમાં પૂરની તબાહી વચ્ચે નવો ખતરો: લ્હેંડે નદી પર બનેલું કુદરતી સરોવર ગમે ત્યારે ફાટવાની ચીનની ચેતવણી
-
ચીનના જળ સંસાધન મંત્રાલયે નેપાળના વિદેશ મંત્રાલયને ડેટા મોકલી સત્તાવાર ચેતવણી આપી
-
ગ્લેશિયર તૂટવાના કાટમાળથી ચોચેન અને પુરેપુ નદીના સંગમ નજીક કુદરતી બંધ સર્જાયો
-
તળાવના પાણીનો રંગ ઘેરો થતાં ખતરાની ઘંટડી, લ્હેંડે ખોલા અને ત્રિશૂલી નદીમાં પ્રવાહ વધ્યો
સિટી ન્યુઝ @ કાઠમંડુ
નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી ભયાનક પૂર અને ભૂસ્ખલનની તબાહી વચ્ચે વધુ એક મોટા જળપ્રલયનું સંકટ તોળાઈ રહ્યું છે. ચીનના જળ સંસાધન મંત્રાલયે નેપાળ સરકારને સત્તાવાર ચેતવણી આપતાં જણાવ્યું છે કે લ્હેંડે નદીના ઉપલા ભાગમાં ગ્લેશિયર અને કાટમાળ જમા થવાથી બનેલું કુદરતી સરોવર ગમે તે ઘડીએ ફાટી શકે છે. સેટેલાઇટ અને ડ્રોન સર્વેલન્સ મુજબ આ કુદરતી તળાવના પાણીનો રંગ ઝડપથી ઘેરો થઈ રહ્યો છે, જે ડેમ તૂટવાનો ગંભીર સંકેત માનવામાં આવે છે. જો આ તળાવ તૂટશે તો નદીમાં અચાનક 500 ઘન મીટર પ્રતિ સેકન્ડ જેટલો પ્રચંડ પાણીનો પ્રવાહ ધસી આવી શકે છે.
આ કૃત્રિમ સરોવર ચીન તરફની ચોચેન નદી અને નેપાળ તરફની પુરેપુ નદીના સંગમ નજીક સર્જાયું છે. નેપાળ અને તિબેટ સરહદે ગ્લેશિયર તૂટવાના કારણે જંગી માત્રામાં પથ્થરો અને માટી નીચે ધસી આવ્યા હતા, જેનાથી નદીનો કુદરતી પ્રવાહ સંપૂર્ણપણે અવરોધાઈ ગયો હતો. આ કુદરતી ડેમની પાછળ શુક્રવાર સુધીમાં આશરે 25 લાખ ઘન મીટર પાણીનો વિશાળ જથ્થો એકત્ર થઈ ચૂક્યો છે.
ચીન દ્વારા તૈયાર કરાયેલા ફ્લડ મોડેલિંગ અનુસાર, જો આ કાટમાળનો બંધ તૂટશે તો લ્હેંડે ખોલા અને ત્રિશૂલી નદીઓમાં પાણીની અચાનક આવક વધી જશે. જેના કારણે નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર ભારે પૂર અને વિનાશ વેરવાની દહેશત ઊભી થઈ છે.
ઉલ્લેખનીય છે કે, નેપાળમાં બુધવારે આવેલા ભયાનક ફ્લેશ ફ્લડમાં અત્યાર સુધીમાં 626 થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે તિબેટમાં પણ 7 લોકોના મોત થયા છે. હજુ પણ સેંકડો નાગરિકો લાપતા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ પરિસ્થિતિ વચ્ચે જો લ્હેંડે નદી પર બનેલું આ કુદરતી તળાવ ફાટશે તો ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યો સામે અત્યંત ગંભીર પડકાર ઊભો થશે.
નેપાળ પર નદીનું સરોવર ફાટવાનો ખતરો
626 ના મોતની હોનારત બાદ નેપાળ પર વધુ એક સંકટ તોળાયું છે. ચીને ચેતવણી આપી છે કે લ્હેંડે નદી પર ગ્લેશિયરના કાટમાળથી બનેલું 25 લાખ ઘન મીટર પાણી ધરાવતું કુદરતી સરોવર ગમે ત્યારે ફાટી શકે છે. જો આ બંધ તૂટશે તો ત્રિશૂલી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવી શકે છે.