અમેરિકાના ગ્રાન્ડ કેન્યનમાં અચાનક ફ્લેશ ફ્લડ: પૂરના પ્રવાહમાં 20 પ્રવાસીઓ તણાયા, 60 ને બચાવાયા
-
માત્ર 30 મિનિટમાં 1 ઇંચ વરસાદ પડતાં પહાડી ઢોળાવો પરથી ભારે માત્રામાં પથ્થરો અને માટી નીચે આવ્યા
-
કોલોરાડો નદીમાં પ્રચંડ વેગથી પાણી આવતાં પગપાળા પસાર થઈ રહેલા 20 પ્રવાસીઓ તણાઈ ગયા
-
પૂરના ધસમસતા પ્રવાહમાં એક મોટું બંક હાઉસ અને ફૂટ બ્રિજ સંપૂર્ણપણે ધરાશાયી થયા
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
નેપાળમાં સર્જાયેલા વિનાશક પૂરની ચિંતા હજુ શમી નથી ત્યાં જ અમેરિકાના એરિઝોના રાજ્યમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક ક્ષેત્રમાં અચાનક આવેલા ફ્લેશ ફ્લડથી મોટી હોનારત સર્જાઈ છે. અણધાર્યા અને ભારે વરસાદના કારણે આવેલા ધસમસતા પૂરના પ્રવાહમાં આશરે 20 જેટલા પ્રવાસીઓ લાપતા થયા છે, જ્યારે રાહત અને બચાવ ટીમોએ તાત્કાલિક ઓપરેશન હાથ ધરીને અન્ય 60 લોકોને સુરક્ષિત રીતે ઉગારી લીધા છે.
મળતી માહિતી મુજબ, ગ્રાન્ડ કેન્યન ક્ષેત્રમાં માત્ર 30 મિનિટના ગાળામાં આશરે એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પહાડી ઢોળાવો પરથી ઝડપથી નીચે ઉતરેલા પાણી સાથે મોટા પથ્થરો, ખડકો અને માટીનો જંગી કાટમાળ ધસી આવ્યો હતો. આ કાટમાળ સીધો કોલોરાડો નદીમાં ભળતાં નદીનું જળસ્તર અને પ્રવાહ અચાનક ભયાનક રીતે વધી ગયા હતા. પૂરના પ્રચંડ પ્રવાહમાં એક બંક હાઉસ તેમજ નદી પર બનેલો મહત્વનો ફૂટ બ્રિજ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા.
આ કુદરતી આફત સમયે પગપાળા ટ્રેકિંગ કરી રહેલા આશરે 20 જેટલા લોકો પાણીના ભારે વહેણમાં તણાઈ જતાં લાપતા બન્યા છે, જેમને શોધવા માટે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. બીજી તરફ, રેસ્ક્યૂ ટીમોએ સમયસૂચકતા દાખવીને ફેન્ટમ રેન્જ અને બ્રાઇટ એન્જલ કેમ્પ ગ્રાઉન્ડ વિસ્તારમાંથી 60 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લીધા છે. પહાડી વિસ્તારોમાં હજુ પણ પૂર અને ભૂસ્ખલનનું જોખમ યથાવત રહેતાં તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે સાવચેતીના આદેશો જારી કરાયા છે.
ગ્રાન્ડ કેન્યનમાં પૂર: 20 લાપતા
અમેરિકાના એરિઝોના સ્થિત ગ્રાન્ડ કેન્યનમાં અચાનક આવેલા વરસાદ બાદ કોલોરાડો નદીમાં પૂર આવતાં 20 લોકો તણાઈ જવાથી લાપતા થયા છે. પૂરના પ્રવાહમાં બંક હાઉસ અને ફૂટ બ્રિજ તૂટી ગયા હતા. બચાવ ટુકડીઓએ 60 પ્રવાસીઓને સુરક્ષિત રીતે ઉગારી લીધા છે અને લાપતા લોકોની શોધખોળ શરૂ કરી છે.