Loading Please Wait !!!
ન્યુયોર્કમાં મેડિસન સ્ક્વેર બહાર ખાલિસ્તાની તત્વોની નાપાક હરકત: ભારતીય તિરંગો ફાડી અપમાનિત કર્યો

 

  • મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે RSS સરસંઘચાલક મોહન ભાગવતના કાર્યક્રમ દરમિયાન બની ઘટના

  • સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ઉપદ્રવી તિરંગાને ખેંચીને ફાડતો અને પગે બાંધતો જોવા મળ્યો

  • દેખાવકારોએ બેનરો સાથે ભારતવિરોધી સૂત્રોચ્ચાર કરી મોહન ભાગવતના કટઆઉટનું અપમાન કર્યું

સિટી ન્યુઝ @ ન્યુયોર્ક

અમેરિકાના ન્યુયોર્ક સ્થિત વિશ્વપ્રસિદ્ધ મેડિસન સ્ક્વેર ગાર્ડન બહાર ભારતવિરોધી અને ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું ઘોર અપમાન કરવાનો અત્યંત શરમજનક કિસ્સો સામે આવ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતના આયોજિત કાર્યક્રમ દરમિયાન બહાર એકઠા થયેલા ખાલિસ્તાની ઉપદ્રવીઓએ તિરંગો ફાડ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર દેશમાં ભારે રોષ ફેલાયો છે.

આ ઘટના પર કેન્દ્ર સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આકરા શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં સરકાર, ભાજપ કે આરએસએસની આલોચના કરવાની તમામ લોકોને આઝાદી છે, પરંતુ ભારત દેશ અને રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. આવું શરમજનક કૃત્ય કરનારાઓએ ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડશે.

વિગતો મુજબ, ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન 'શિખ ફોર જસ્ટિસ' (SFJ) સાથે સંકળાયેલા દેખાવકારો હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને મેડિસન સ્ક્વેર ગાર્ડન બહાર જમા થયા હતા અને ઉગ્ર દેશવિરોધી નારેબાજી શરૂ કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં એક કટ્ટરપંથી સમર્થક ભારતીય તિરંગાને પોતાના પગ પર બાંધીને કેમેરા સામે ઉશ્કેરણીજનક પોઝ આપતો જોવા મળે છે, જ્યારે અન્ય એક શખ્સ તિરંગાને ખેંચીને ફાડતો નજરે પડે છે. આ ઉપરાંત દેખાવકારોએ મોહન ભાગવતના કટઆઉટ પર જૂતાનો હાર પહેરાવીને પણ અસભ્ય પ્રદર્શન કર્યું હતું.

ન્યુયોર્કમાં તિરંગાના અપમાન સામે રોષ

અમેરિકાના મેડિસન સ્ક્વેર ગાર્ડન બહાર RSS પ્રમુખ મોહન ભાગવતના કાર્યક્રમ વખતે ખાલિસ્તાની સંગઠન SFJ ના સમર્થકોએ તિરંગો ફાડી અપમાનિત કર્યો હતો. આ શરમજનક ઘટના સામે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કડક ચેતવણી આપતાં કહ્યું છે કે દેશ અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓએ ભારે કિંમત ચૂકવવી પડશે.