Loading Please Wait !!!
મધ્યપૂર્વમાં વિનાશક જંગ: ઈરાન અને અમેરિકા સામસામે

  • કુવૈત-બહેરીનમાં અમેરિકી મથકો પર મિસાઈલ હુમલા, યુદ્ધની ગંભીર સ્થિતિ
  • હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનનો દબદબો, ગલ્ફ દેશોમાં ભારે દહેશત
  • બહેરીનમાં અમેરિકી નૌકા કાફલાને નિશાન બનાવતા તણાવ ચરમસીમાએ

સિટી ન્યુઝ @ તહેરાન

મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામનો અંત આવતા ફરી એકવાર વિનાશક જંગ શરૂ થયો છે. ગઈકાલે રાત્રે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના યુદ્ધ જહાજો પરથી ઈરાન પર સતત મિસાઈલ અને બોમ્બમારો કરવામાં આવ્યો હતો. વળતા પ્રહારમાં ઈરાને કુવૈત અને બહેરીન ખાતેના અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવીને મિસાઈલ અને ડ્રોનનો વરસાદ કર્યો છે, જેના કારણે સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે.

અમેરિકી દળોએ ઈરાનના રેલવે બ્રિજને તોડી પાડી સેના માટેની રસદનો માર્ગ અવરોધિત કર્યો છે. આ ઉપરાંત મુસા અને કેશમ દ્વીપ, સીરીક અને અબ્બાસ બંદર વિસ્તાર સહિતના ૧૦ મુખ્ય સ્થળો પર અમેરિકાએ હુમલા કર્યા છે. ચાબહાર વિસ્તારમાં વીજ મથકને નિશાન બનાવતા અનેક વિસ્તારો અંધારપટમાં ડૂબી ગયા છે. બીજી તરફ, ઈરાને બહેરીનમાં સ્થિત અમેરિકાના પાંચમા નૌકા કાફલા પર મિસાઈલ હુમલા કર્યા છે અને હોર્મુઝ જળમાર્ગમાં એક અમેરિકી એમક્યુ-૯ ડ્રોનને તોડી પાડ્યાનો દાવો કર્યો છે.

ઈરાને સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું છે કે તેઓ અમેરિકાની સાન ઠેકાણે લાવીને જ જંપશે. કુવૈત અને બહેરીનમાં એરડિફેન્સ સિસ્ટમ સતત સક્રિય રહીને દુશ્મનોના ડ્રોન અને મિસાઈલનો મુકાબલો કરી રહી છે. હોર્મુઝ જળમાર્ગ પર પોતાનો સંપૂર્ણ કબજો હોવાનું જાહેર કરીને ઈરાને તમામ વ્યાપારી જહાજોને તેમના નૌકાદળ સાથે સહયોગ કરવાની સલાહ આપી છે. આ ઘટનાક્રમ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ અને સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.

યુદ્ધના મેદાનના મુખ્ય અહેવાલ

મધ્યપૂર્વના ગલ્ફ દેશોમાં યુદ્ધની સ્થિતિ સર્જાતા કુવૈત અને બહેરીનમાં સાયરન વાગવા લાગ્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના હુમલામાં ઈરાનના ૧૦ સ્થળો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે. વળતો જવાબ આપતા ઈરાને અમેરિકાના પાંચમા નૌકા કાફલાને નિશાન બનાવ્યું છે. હોર્મુઝ જળમાર્ગને ઈરાને પોતાના કબજામાં ગણાવી વ્યાપારી જહાજોને કડક સૂચનાઓ આપી છે, જે વૈશ્વિક વેપાર માટે મોટો ખતરો બની શકે છે.