ભારતમાં બનશે આયર્ન ડોમ, ઈઝરાયલની રાફેલ કંપની તૈયાર
- અમેરિકા પછી ત્રીજો દેશ બનશે ભારત, આત્મનિર્ભર ભારતને વેગ
- ચેન્નાઈ નહીં દિલ્હી કેન્દ્રમાં ડીલ, મિસાઇલ ઉત્પાદન ખર્ચ ઘટશે
- ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતની એન્ટ્રી, નિકાસનું હબ બનશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ડિફેન્સ સેક્ટરમાંથી મોટા સમાચાર આવ્યા છે. ઈઝરાયલની સરકારી સંરક્ષણ કંપની રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ ભારતમાં આયર્ન ડોમ ઇન્ટરસેપ્ટર મિસાઇલોનું ઉત્પાદન એકમ સ્થાપવા તૈયારી કરી રહી છે. આ માટે કંપની ભારતીય સંરક્ષણ કંપનીઓ સાથે ગંભીર ચર્ચા કરી રહી છે. જો ડીલ ફાઇનલ થશે તો ઈઝરાયલ અને અમેરિકા બાદ ભારત ત્રીજો દેશ બનશે જ્યાં આ અદ્યતન મિસાઇલોનું ઉત્પાદન થશે. આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત માટે મોટી સફળતા માનવામાં આવે છે.
આ વ્યૂહાત્મક ભાગીદારીથી દેશની સૈન્ય તાકાતમાં મોટો વધારો થશે. હાલ આયર્ન ડોમનું મુખ્ય ઉત્પાદન ઉત્તરી ઈઝરાયલ અને અમેરિકામાં રેથિયૉન સાથેની ભાગીદારીમાં થાય છે. ભારતમાં લાઇન શરૂ થવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન મજબૂત બનશે. કટોકટીમાં વૈશ્વિક માંગ ઝડપથી પૂરી કરી શકાશે. ભારત અને ઈઝરાયલે અગાઉ બરાક-8 મિસાઇલ સિસ્ટમ સંયુક્ત રીતે વિકસાવી છે.
મિડલ ઇસ્ટ સંઘર્ષ બાદ વિશ્વમાં એર ડિફેન્સ સિસ્ટમની માંગ વધી છે. રાફેલ માટે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવી અન્ય દેશોમાં નિકાસ કરવી ફાયદાકારક રહેશે. ભારત પોતે પણ સુદર્શન ચક્ર નામની સ્વદેશી એર ડિફેન્સ શીલ્ડ બનાવી રહ્યું છે. આ ભાગીદારીથી ભારતીય સંરક્ષણ ઉદ્યોગને ટેક્નોલોજી, ઉત્પાદન ક્ષમતા અને નિકાસની નવી તકો મળશે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં ભારત ગ્રાહક મટી ગ્લોબલ સપ્લાયર બનશે.
ડિફેન્સમાં ઐતિહાસિક ડીલ
ઈઝરાયલની રાફેલ કંપની ભારતમાં આયર્ન ડોમ ઇન્ટરસેપ્ટર બનાવવા ચર્ચા કરી રહી છે. અમેરિકા બાદ ભારત ત્રીજો ઉત્પાદક દેશ બનશે. મેક ઇન ઇન્ડિયાને વેગ મળશે. ઉત્પાદન ખર્ચ ઘટશે અને નિકાસ વધશે. બરાક-8 બાદ આ બીજી મોટી ભાગીદારી છે. ભારતનું સુદર્શન ચક્ર પણ તૈયાર થઈ રહ્યું છે.