Loading Please Wait !!!
નાસાના X-59 સુપરસોનિક વિમાને 1148 કિમીની ઝડપે તોડ્યો રેકોર્ડ

  • 81 મિનિટની ઐતિહાસિક ઉડાન, અવાજની ગતિને સરેઆમ પાર કરી એવિએશન સેક્ટરમાં રચ્યો નવો ઈતિહાસ
  • કેલિફોર્નિયાના એરબેઝ પરથી 1148 પ્રતિ કલાકની રોકેટ ગતિએ આકાશ ચીરી મચાવ્યો પ્રચંડ ખળભળાટ
  • કાન ફાડતા સોનિક બૂમના બદલે જમીન પર માત્ર હળવો અવાજ, 1489 કિમીની ગતિનો આગામી ટાર્ગેટ

સિટી ન્યુઝ @ કેલિફોર્નિયા

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એવિએશન સેક્ટરમાં એક અત્યંત પ્રચંડ અને ઐતિહાસિક ધમાકો કર્યો છે. નાસાએ પોતાના અત્યંત મહત્વાકાંક્ષી 'ક્વેસ્ટ' (Quesst) મિશન હેઠળ વિકસાવેલા હાઈ-ટેક પ્રયોગાત્મક સુપરસોનિક વિમાન X-59 નું સરેઆમ સફળ પરીક્ષણ કરી દુનિયાભરમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. કેલિફોર્નિયાના એડવર્ડ્સ એર ફોર્સ બેઝથી રોકેટની જેમ ઉડાન ભરીને આ વિમાને પહેલીવાર 1148 કિલોમીટર પ્રતિ કલાક (મેક 1.1) ની અત્યંત ભયાનક ગતિ હાંસલ કરી છે. આ સનસનાટીભરી ઉડાનમાં વિમાને અવાજની ગતિને સરેઆમ પાર કરીને 81 મિનિટ સુધી આકાશમાં પોતાનો પ્રચંડ દબદબો કાયમ રાખ્યો હતો.

આ ઐતિહાસિક અને હાઈ-વોલ્ટેજ પરીક્ષણ દરમિયાન એક્સપર્ટ ટેસ્ટ પાયલોટ જિમ લેસે X-59 વિમાનને સીધું 43400 ફુટની ભયાનક ઉંચાઈ સુધી પહોંચાડીને આકાશ ચીરી નાખ્યું હતું. આ અત્યાધુનિક વિમાનની સૌથી મોટી અને ક્રાંતિકારી ખાસિયત તેની `કવાઈટ થમ્પ' (Quiet Thump) ટેકનોલોજી છે. સામાન્ય રીતે જૂના સુપરસોનિક વિમાનો જ્યારે અવાજની ગતિને ક્રોસ કરે છે ત્યારે બારીઓના કાચ તોડી નાખે તેવો 'સોનિક બૂમ' નો કાન ફાડી નાખતો ધડાકો થાય છે. પરંતુ આધુનિક X-59 વિમાન જરા પણ ઘોંઘાટ કર્યા વિના હવામાંથી પસાર થાય છે અને નીચે જમીન પર લોકોને માત્ર એક હળવો અવાજ જ સંભળાય છે, જે એવિએશન ઇતિહાસનો સૌથી મોટો ગેમ-ચેન્જર સાબિત થશે.

નાસાના આ આક્રમક મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય એવી હાઈટેક ટેકનિક વિકસિત કરવાનો છે, જેનાથી ભવિષ્યમાં ગીચ વસ્તીવાળા ક્ષેત્રોની ઉપરથી પણ સુપરસોનિક યાત્રી વિમાનોને કોઈ પણ જાતના ભય વિના ઉડાવી શકાય. જો આ પ્રોજેક્ટ 100 ટકા સફળ રહેશે તો દુનિયાભરમાં લાંબા અંતરની હવાઈ મુસાફરીનો સમય સીધો અડધો થઈ જશે અને મુસાફરો રોકેટની ગતિએ દુનિયા ફરી શકશે. મેક 1.1 ની ભયાનક ગતિ હાંસલ કર્યા બાદ હવે નાસાની ટીમ આ જ X-59 વિમાનની ગતિને વધારીને લગભગ 1489 કિલોમીટર પ્રતિ કલાકના ખતરનાક ટાર્ગેટ સુધી લઈ જવાની યુદ્ધના ધોરણે તૈયારી કરી રહી છે.

હવાઈ મુસાફરીમાં આવશે ક્રાંતિકારી અને પ્રચંડ બદલાવ

નાસાના X-59 વિમાનની આ ઐતિહાસિક ઉડાને ભવિષ્યની અત્યાધુનિક હવાઈ મુસાફરીના તમામ દરવાજા સરેઆમ ખોલી નાખ્યા છે. કાન ફાડતા ઘોંઘાટ વિના 1148 કિમીની ઝડપે ઉડતું આ પ્લેન સ્પષ્ટ સાબિત કરે છે કે હવે લાંબા અંતરની મુસાફરી માટે કલાકો બરબાદ કરવા પડશે નહીં. ગીચ શહેરો ઉપરથી પણ અવાજ પ્રદૂષણ વિના પસાર થઈ શકતું આ સુપરસોનિક વિમાન ગ્લોબલ ટ્રાન્સપોર્ટેશન અને એવિએશનની દુનિયામાં એક અત્યંત મોટો માઈલસ્ટોન બનવા જઈ રહ્યું છે.