ધૂણવાના ‘નાટક’ : હનુમાનજીની કથામાં કોઈ ભૂત-પ્રેત આવે ?
=> ધૂણતી વ્યક્તિ કોઈ દિ’ કોઈની મારપીટ ન કરે : મહિલા ખોટી ધૂણતી હતી ?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં રવિવારે યોજાયેલ બાબા બાગેશ્વર ધામના દિવ્ય દરબાર બાદ ઉભી થયેલી પરિસ્થિતિએ માત્ર ચર્ચા જ નહીં, પરંતુ ગંભીર સવાલો પણ ઉભા કર્યા છે. કાર્યક્રમ દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હાકલ બાદ મોટી સંખ્યામાં લોકો અચાનક “ધુણવા” લાગ્યા અંદાજે પ૦ જેટલા લોકોના આવા દ્રશ્યો સામે આવ્યા. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા અને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા.
આ સમગ્ર घटनाમાં સૌથી મોટો વિરોધાભાસ એ છે કે, જ્યાં હનુમાન કથા ચાલી રહી હતી જ્યાં માનવામાં આવે છે કે દેવ હાજર-હજુર હોય છે અને જ્યાં જવાથી ભૂત-પ્રેત ભાગી જાય છે એ જ સ્થળે મોટી સંખ્યામાં લોકો “પ્રેતબાધા” જેવી સ્થિતિમાં દેખાય, તો પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે. શું આ આસ્થાનો પ્રભાવ છે કે પછી કોઈ સામૂહિક માનસિક અસર?
[તંત્રી લેખ - અનિરુદ્ધ નકુમ]
-
• તંત્રી • અનિરુદ્ધ નકુમ
આવા દ્રશ્યોને અંધભક્તિથી સ્વીકારી લેવું સરળ છે, પરંતુ તર્કથી જોવું મુશ્કેલ. ભીડમાં એક વ્યક્તિનું વર્તન બીજી પર અસર કરે છે મનોચિકિત્સા તેને “સામૂહિક ઉશ્કેરાટ” કહે છે. જ્યારે વાતાવરણ, ભાષણ અને માન્યતાઓ એકસાથે અસર કરે, ત્યારે ઘણા લોકો અસામાન્ય રીતે પ્રતિક્રિયા આપે આ કોઈ અલૌકિક ઘટના નહીં, પણ માનસિક પ્રક્રિયા હોઈ શકે છે.
પરંતુ અહીં વધુ ગંભીર મુદ્દો છે જવાબદારીનો. હજારો લોકોની વચ્ચે આવી પરિસ્થિતિ સર્જાય, તો આયોજકો શું કરી રહ્યા હતા? શું માત્ર ધાર્મિક હાકલ પૂરતી છે? કે પછી ભીડની સુરક્ષા, નિયંત્રણ અને સમજણ માટે પણ કોઈ વ્યવસ્થા હોવી જોઈએ?
જો આવી સ્થિતિમાં કોઈને ઈજા થાય અથવા અફરાતફરી ફેલાય, તો જવાબ કોણ આપશે?
સમાજ માટે આ ઘટના એક ચેતવણી છે. શું આપણે હજુ પણ “ભૂત-પ્રેત” ના નામે બનેલા દ્રશ્યોને ચમત્કાર માનતા રહીશું? કે પછી તર્ક અને વિજ્ઞાનના આધાર પર પ્રશ્નો પૂછવાનું શરૂ કરીશું? આસ્થા વ્યક્તિગત હોઈ શકે, પરંતુ જ્યારે તે જાહેર કાર્યક્રમમાં આકાર લે છે, ત્યારે તે સામાજિક જવાબદારી બની જાય છે.