ઈન્દોરની ઘટનાએ ચોંકાવ્યા : મનપસંદ જીન્સ ખરાબ થઈ જતા 18 વર્ષના યુવકનો આપઘાત
સિટી ન્યૂઝ@ભોપાલ અહીં માત્ર એક જીન્સનો કલર ખરાબ થઈ જવા જેવી નજીવી બાબતમાં ૧૮ વર્ષના એક યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટના ઈન્દોરના સેન્ટ્રલ કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં યુવકના આ પગલાંથી આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.
મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ ગૌરવ તરીકે થઈ છે. શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે આત્મઘાતી પગલું ભરતા પહેલાં ઘરમાં એક નાની બાબતને લઈને વિવાદ થયો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, ગૌરવ તેવા એક જીન્સને લઈને ખૂબ જ ઈમોશનલ હતો. તેની માતાએ આ જીન્સને ધોવા માટે વોશિંગ મશીનમાં નાખ્યું હતું. આ દરમિયાન મશીનમાં ઘરના અન્ય કપડાં પણ ધોવાઈ રહ્યા હતા, જેમાંથી બીજા કપડાંનો રંગ ગૌરવના જીન્સ પર લાગી ગયો અને જીન્સનો કલર બગડી ગયો હતો.
જીન્સનો રંગ ખરાબ થઈ જતાં ગૌરવ ભારે ગુસ્સે ભરાયો હતો અને તેણે માતા સામે નારાજગી વ્યક્ત કરી હતી. ગુસ્સાના આવેશમાં આવીને તેણે પોતાનું એ પ્હાયું જીન્સ ફાડી નાખ્યું અને એટલું જ નહીં, પોતાનો મોબાઈલ ફોન પણ જમીન પર પછાડીને તોડી નાખ્યો હતો. આ હોબાના બાદ તે ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો હતો.
થોડા સમય પછી ગૌરવ ઘરે પરત ફર્યો હતો, પરંતુ તે શાંત હતો અને કોઈની સાથે વાત નહોતો કરી રહ્યો. તે સીધો જ પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. પરિવારને લાગ્યું કે તે ગુસ્સામાં છે અને થોડીવારમાં શાંત થઈ જશે, તેથી કોઈએ તેને ખલેલ ન પહોંચાડી. પરંતુ ઘણો સમય વીતી જવા છતાં જ્યારે તે રૂમની બહાર ન આવ્યો ત્યારે પરિવારને જોગનું તો તેમના હોશ ઉડી ગયા; ગૌરવ રૂમમાં ફાંસીના ફંદે લટકતો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો.
ઘટનાની માહિતી મળતા જ સેન્ટ્રલ કોટવાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. એડિશનલ ડીસીપી અમરેન્દ્ર સિંહે જણાવ્યું કે, પોલીસ આ મામલાની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહી છે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. હાલ પોલીસ પરિવારના સભ્યોના નિવેદન નોંધી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આત્મહત્યાના ચોક્કસ કારણો સ્પષ્ટ થશે.