ટ્રમ્પનો ઈઝરાયલ પર પ્રચંડ પ્રહાર: નેતન્યાહૂ નહીં અમે નિર્ણય કરીશું
-
અમેરિકન સેનાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનના 2 ડ્રોન તોડી પાડ્યા, ખાડી દેશોમાં ભયાનક સૈન્ય એક્શનથી ખળભળાટ
-
કુવૈતે 7 અને બહેરીને 3 બેલિસ્ટિક મિસાઈલો હવામાં જ ફૂંકી મારી, અમેરિકા અને ઈરાન વચ્ચે આરપારની જંગ
- અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો પહેલા જ મિડલ ઈસ્ટમાં ફરી હાઈ-વોલ્ટેજ તણાવ અને હોબાળો
સિટી ન્યુઝ @ ઇન્ટરનેશનલ ડેસ્ક
અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ વાટાઘાટો શરૂ થાય તે પહેલા જ મધ્ય પૂર્વમાં ફરી એકવાર હાઈ-વોલ્ટેજ તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ સામે અત્યંત સખત અને આક્રમક વલણ અપનાવતા લેબેનોન પરના હુમલા તાત્કાલિક બંધ કરવા તાકીદ કરી છે. ટ્રમ્પે મોટો ધડાકો કરતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ઈરાન અંગે નેતન્યાહૂ નહીં, પરંતુ અમે આખરી નિર્ણય કરીશું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે ટ્રમ્પ ફોન પર ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ પર આ મુદ્દે ભારે ગુસ્સે થઈ ગયા હતા, કારણ કે ઈઝરાયલે એપ્રિલ મહિનાના યુદ્ધવિરામ છતાં હિઝબુલ્લાહના ગોળીબારના જવાબી પ્રહાર રૂપે બેરૂતના દક્ષિણ ઉપનગરો પર ભયાનક બોમ્બમારો શરૂ કર્યો છે.
આ વૈશ્વિક મહાસંકટ વચ્ચે પાકિસ્તાનના ગૃહમંત્રી સેના પ્રમુખ આસિમ મુનીરનો અત્યંત ગુપ્ત અને ખાસ સંદેશો લઈને ઈરાનની રાજધાની તેહરાન પહોંચી ગયા છે, જ્યાં તેઓ સુપ્રિમ લીડર સાથે મુલાકાત કરીને આ સળગતા મુદ્દે ચર્ચા કરશે. બીજી તરફ, અમેરિકન સેનાએ વહીવટી તંત્રની આંખ સામે હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક માટે ખતરો બનેલા 2 ઈરાની ડ્રોનને હવામાં જ સરેઆમ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. આ અગાઉ અમેરિકાએ શુક્રવારે ઈરાનના ગોરુક અને કૅશ્મ દ્વીપ પર આવેલા રડાર કેન્દ્રો તેમજ ડ્રોન કંટ્રોલ કમાન્ડ પર ભારે બોમ્બમારો કર્યો હતો, જેના જવાબમાં ઈરાને કુવૈત અને બહેરીન તરફ ઘાતક મિસાઇલ અને ડ્રોન ફેંકીને ભારે આતંક મચાવ્યો હતો.
કુવૈતના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમની અત્યંત સક્રિય એર ડિફેન્સ સિસ્ટમે ઈરાનની 7 બેલેસ્ટિક મિસાઇલોને હવામાં જ ધ્વસ્ત કરી દીધી હતી, જ્યારે પાડોશી દેશ બહેરીને પણ 3 મિસાઇલો તોડી પાડીને આ ભયાનક હુમલા સરેઆમ નિષ્ફળ બનાવ્યા હતા. જોકે, આ પહેલા થયેલા ઈરાની ડ્રોન હુમલામાં કુવૈત એરપોર્ટના પેસેન્જર ટર્મિનલને મસમોટું નુકસાન થયું હતું અને 1 વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની આ હાઈ-લેવલ વાટાઘાટો મુખ્યત્વે આર્થિક પ્રતિબંધો, અબજો ડૉલરની જપ્ત સંપત્તિ મુક્ત કરવા અને ઈરાનના હાઈટેક યુરેનિયમ ભંડારને નષ્ટ કરવાના મુદ્દે બુરી રીતે અટકેલી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે અબજો ડોલરની સંપત્તિનો મોટો જંગ
મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે ચાલી રહેલી વાટાઘાટો આર્થિક પ્રતિબંધોના કારણે સરેઆમ અટકી પડી છે. તેહરાન પોતાની જપ્ત થયેલી અબજો ડોલરની સંપત્તિ પહેલા જ તબક્કામાં પાછી માંગે છે, જ્યારે વોશિંગ્ટનનું કહેવું છે કે જ્યાં સુધી ઈરાન પોતાના ઉચ્ચ સ્તરે સંવર્ધિત યુરેનિયમનો ભંડાર સંપૂર્ણપણે નષ્ટ નહીં કરે ત્યાં સુધી એક પણ ડોલરની નાણાકીય રાહત આપવામાં આવશે નહીં.