Loading Please Wait !!!
ચોમાસુ ખેંચાય તો પણ રાજકોટમાં પાણીના ધાંધિયા થવા ન જોઈએ

  • નવા પદાધિકારીઓની ધારાસભ્યોની હાજરીમાં પ્રથમ રિવ્યુ મીટિંગ યોજાઈ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને વધુ સારી અને સમયબદ્ધ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ તેમજ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા ડો.હિરેનભાઈ ખિમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા દ્વારા શહરના તમામ કોર્પોરેટરો સાથે તમામ સિટી એન્જિનિયરો સહિતના ટેકનિકલ સ્ટાફની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

વરસાદ ખેંચાય તો પણ પાણી વિતરણમાં ધાંધિયા ન થાય તેવું આગોતરું આયોજન કરવા અધિકારીઓને સુચના અપાઈ હતી. બેઠક દરમિયાન શહેરમાં પીવાના પાણીના વિતરણ વ્યવસ્થા તેમજ ઘર આંગણાના ડેમની સ્થિતિ વિશે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. દરેક વોર્ડમાં શહેરીજનોને નિયમિત અને પૂરતા દબાણ સાથે દરરોજ ૨૦ મિનિટ સુધી પાણીનું વિતરણ સુનિશ્ચિત થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી આયોજન કરવા અને સતત મોનિટરિંગ રાખવા સુચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરીજનોને ચોખ્ખું પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે પાણી પુરવઠા વ્યવસ્થાની નિયમિત તપાસ, પાઈપલાઈન મેઈન્ટેનન્સ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને વોર્ડ વિસ્તારમાં પાણી વિતરણમાં જરૂરી તકેદારી રાખવા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પાણીની ગુણવત્તા સંબંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદને તાત્કાલિક ધોરણે નિવારવા માટે પણ સુચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં ઉપસ્થિત કોર્પોરેટરોએ પોતાના વોર્ડની પાણી પુરવઠા વિષયક જરૂરિયાતો અંગે શહેરીજનોની રજૂઆતો સહિત સૂચનો રજૂ કર્યા હતા. આ સૂચનોને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા અને વિવિધ સેવાઓમાં વધુ સુધારો લાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વધુ ગુણવત્તાસભર, પારદર્શક અને કાર્યક્ષમ નાગરિક સેવાઓ પૂરી પાડવા માટે પદાધિકારીઓ દ્વારા સમયંતરે આ પ્રકારે સમીક્ષા બેઠકો યોજી વિવિધ વિકાસલક્ષી અને જાહેર સુવિધાઓ સંબંધિત કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવશે, જેથી शहरના સર્વાંગી વિકાસ સાથે નાગરિકોને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે, તેમ અંતમાં જણાવાયું છે.

  • નવા બ્રીજના ઉદ્ઘાટન-સમિતિઓની રચના અંગે ચર્ચા?
  • રાજ્યભરની મહાનગરપાલિકાના પદાધિકારીઓ ફરી ગાંધીનગરમાં

સિટી ન્યૂઝ@રાજકોટ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન પર્વની ઉજવણી સ્વચ્છતા અભિયાન સાથે સતત કરવાની છે ત્યારે આજે રાજકોટ સહિતની મહાપાલિકાના મુખ્ય પદાધિકારીઓ ફરી ગાંધીનગર પહોંચ્યા છે. તેઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને મળશે. આજે તમામ પદાધિકારીઓને નવા આયોજનો અંગે માર્ગદર્શન આપવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટથી મેયર ડો. નેહલ શુક્લ, સ્ટે. ચેરમેન પરેશ પીપળીયા સહિતની ટીમ ગાંધીનગર ગઈ છે. તો પ્રજાના જે સવી અપેક્ષા છે એ સાંધિયા પુલની જગ્યાએ નવા બનેલા ફોરલેન બ્રીજના ઉદ્ઘાટનની તારીખ પણ આજે પદાધિકારીઓ હર્ષભાઈ સંઘવી પાસેથી મેળવવા ધ્યાને દોરે તેવી શક્યતા છે.

બીજી તરફ મનપામાં હજુ ૧૫ પેટા સમિતિની રચના પણ બાકી છે. નવા ચૂંટાયેલા કોર્પોરેટરો આ નિમણૂંકોની રાહ જોઈ રહ્યા છે. પરંતુ પાર્ટીએ પૂરા રાજ્ય માટે આ કાર્યવાહી બાકી રાખી છે. હવે પ્રદેશ સ્તરેથી જ આ રચના ફાઇનલ થયા તેવા ફેરફારો થઈ ગયા છે. આથી જનરલ બોર્ડની સંભવિત તારીખ પણ પદાધિકારીઓ રાજકોટ પરત ફરે તે બાદ નક્કી થશે. હાલ પ્રજામાં નવા બ્રીજના ઉદ્ઘાટન અને ભાજપમાં નવી સમિતિઓની રચના માટે ઈન્તેજાર છે. તો સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે વિવિધ કાર્યક્રમો ઘડવામાં આવી રહ્યા છે.