Loading Please Wait !!!
ઈરાને 4 બેલિસ્ટિક મિસાઈલો ઝીંકતા ઈઝરાયલે લીધો અત્યંત ખતરનાક બદલો

  • ટ્રમ્પની ચેતવણીને ઘોળીને પી ગયું ઈઝરાયલ, ઈસ્ફહાન અને તહેરાન સહિત 4 શહેરો પર કર્યો આકરો પ્રહાર
  • હિઝબુલ્લાહ અને હુતી પણ યુદ્ધમાં કૂદ્યા, સાઉદી અરેબિયાના રિયાધમાં પ્રિન્સ સુલતાન એરબેઝ પર પ્રચંડ ધડાકાથી ફફડાટ
  • યુદ્ધવિરામનો અંત, ઈરાક અને સીરિયાએ હવાઈ ક્ષેત્ર બંધ કર્યું, ઈઝરાયલે એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો સરેઆમ નિષ્ફળ ગયા છે અને મિડલ ઈસ્ટમાં ફરી એકવાર મહાયુદ્ધનો ભયાનક ભડકો થયો છે. ગત એપ્રિલ મહિનાના યુદ્ધવિરામનો અંત આણતા ઈરાને ઈઝરાયલના ઉત્તરીય વિસ્તારને નિશાન બનાવીને 4 અત્યંત શક્તિશાળી બેલિસ્ટિક મિસાઈલો દાગીને મોતનો તાંડવ શરૂ કર્યો છે. આ ઐતિહાસિક હુમલાની સાથે જ લેબેનોનથી હિઝબુલ્લાહ અને યમનથી હુતી લડાકૂઓએ પણ ઈઝરાયલ પર ત્રણેય તરફથી ઘાતક રોકેટમારો ચલાવી દીધો છે. આ ભયાનક સ્થિતિ વચ્ચે સાઉદી અરેબિયાના પાટનગર રિયાધમાં આવેલા પ્રિન્સ સુલતાન એરબેઝ પર પણ પ્રચંડ ધડાકાઓ સાંભળવા મળતા આખા આરબ જગતમાં ભારે ફફડાટ અને સન્નાટો ફેલાઈ ગયો છે.

ઈરાનના આ હાઈ-વોલ્ટેજ એક્શન બાદ આખા મિડલ ઈસ્ટમાં હાઈ-અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઈરાને પોતાના પશ્ચિમી ભાગનું એરસ્પેસ આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. સુરક્ષાના ગંભીર ખતરાને જોતા પાડોશી દેશ ઈરાકે પણ આગામી 72 કલાક માટે પોતાનું હવાઈ ક્ષેત્ર તાત્કાલિક બંધ કરી દીધું છે, જ્યારે સીરિયાએ દક્ષિણ એરસ્પેસ 12 કલાક માટે બ્લોક કરીને દમાસ્કસ એરપોર્ટની તમામ ફ્લાઈટ્સ સરેઆમ રદ કરી દીધી છે. સામે પક્ષે, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) દેશના અનેક વિસ્તારોમાં સાયરન વગાડીને નાગરિકોને બંકરમાં જવા એલર્ટ કર્યા છે અને ઈરાની મિસાઈલોને હવામાં જ ફૂંકી મારવા પોતાની ઘાતક એર ડિફેન્સ સિસ્ટમ્સ સક્રિય કરી દીધી છે.

આ આકરા હુમલા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ સાથે તાત્કાલિક વાતચીત કરીને વળતી કાર્યવાહી ન કરવા સમજાવ્યા હતા. પરંતુ, ગુસ્સામાં ભભૂકતા ઈઝરાયલે ટ્રમ્પની આ ચેતવણીને ઘોળીને પી જઈને ઈરાન પર અત્યંત ખતરનાક અને ભયાનક બદલો લીધો છે. સત્તાવાર અહેવાલો મુજબ, ઈઝરાયલી સેનાએ ફાઈટર જેટના બદલે સીધા જહાજોમાંથી જ ઘાતક બેલિસ્ટિક મિસાઇલો ઝીંકીને ઈરાનના તબરીઝ, ઈસ્ફહાન અને તહેરાન સહિતના 4 મોટા શહેરોને સરેઆમ હચમચાવી દીધા છે. ઈરાનના અનેક શહેરોમાં સતત પ્રચંડ ધડાકાઓ સંભળાઈ રહ્યા છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે હવે આ વિનાશક યુદ્ધ કોઈના રોક્યા રોકાશે નહીં.

મિડલ ઈસ્ટમાં ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક મંડાણ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી ફાટી નીકળેલા આ આક્રમક યુદ્ધે સમગ્ર દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધના આરે લાવીને ઊભી કરી દીધી છે. ટ્રમ્પની સલાહને અવગણીને ઈઝરાયલે કરેલા વળતા પ્રહારથી સ્થિતિ વધુ કટોકટીપૂર્ણ બની છે. બંને દેશો એકબીજા પર બેલિસ્ટિક મિસાઈલોનો મારો ચલાવી રહ્યા છે, જેના કારણે આરબ દેશોમાં યુદ્ધનો વ્યાપક અને ભયાનક ફેલાવો થવાની પૂરી શક્યતા છે.