Loading Please Wait !!!
નીટ વિવાદ પર ગાયક અરિજીત સિંહનો રોષ ફાટ્યો: 'શરમ નથી આવતી નેતાઓને?'

  • વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ સામે સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ શેર કરી.
  • છાત્રો પરના અત્યાચારથી ગુસ્સે ભરાયેલા સિંગરે કહ્યું- દરેક બાબત યાદ રાખવામાં આવશે.
  • સંસદ કૂચ કરી રહેલા છાત્રો પર પોલીસ લાઠીચાર્જ મુદ્દે સરકારને ખખડાવી.

સિટી ન્યુઝ @ મુંબઈ

નીટ પેપર લીક અને તેના કારણે અનેક છાત્રોના આપઘાત મામલે આંદોલન ચલાવી રહેલા છાત્રો પર પોલીસના લાઠીચાર્જથી આખો દેશ ખળભળી ઉઠયો છે. બોલિવુડની દિગ્ગજ હસ્તીઓ શબાના આઝમી અને નસીરુદ્દીન શાહ બાદ હવે પ્રખ્યાત ગાયક અરિજીત સિંહનો પણ આ મામલે ભારે ગુસ્સો ફૂટ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક આક્રમક પોસ્ટ શેર કરીને સરકાર અને નેતાઓ સામે સવાલો ઉઠાવ્યા છે.

અરિજીત સિંહે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તીખી પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, શરમ નથી આવતી આ નેતાઓને, શું ભગવાન સમજી લીધા છે ખુદને? અરિજીત સિંહની આ પોસ્ટ ત્યારે સામે આવી છે જ્યારે વિદ્યાર્થીઓ સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા અને પોલીસે તેમને રોકવા માટે તેમના પર લાઠીઓ વરસાવી તેમજ અશ્રુવાયુના ગોળા છોડ્યા હતા.

પોતાના ગુસ્સાને વ્યક્ત કરતા અરિજીત સિંહે વધુમાં લખ્યું છે કે, યાર, હવે તો સ્ટુડન્ટસને મારી રહ્યા છો, આપ લોકો તમને લોકોને શરમ નથી આવતી? હેલ્લો, નેતા, મંત્રી! શું ચાલી રહ્યું છે ભાઈ! તમે તમારી જાતને ભગવાન સમજી લીધા છે શું? ગાયકના આ બેબાક નિવેદનની ચર્ચા હાલ ચારેય તરફ થઈ રહી છે.

પોતાની પોસ્ટના અંતમાં અરિજીત સિંહે કડક શબ્દોમાં લખ્યું છે કે દરેક બાબત યાદ રાખવામાં આવશે, હર હર મહાદેવ! આ ઉપરાંત તેમણે ખૂબ જ ફિલોસોફિકલ અંદાજમાં એવું પણ ઉમેર્યું હતું કે યાદ રાખજો, પરિવર્તન જ એકમાત્ર સ્થિરતા છે. કલાકારો દ્વારા વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉઠાવવામાં આવેલા આ અવાજથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો આવ્યો છે.

 અરિજીત સિંહનો આક્રોશ વિદ્યાર્થીઓ માટે સમર્થન

નીટ વિવાદ અને વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ અત્યાચાર સામે ગાયક અરિજીત સિંહે સોશિયલ મીડિયા દ્વારા ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. નેતાઓ અને મંત્રીઓની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે અન્યાયી વર્તન ક્યારેય ભૂલાશે નહીં. બોલિવુડ કલાકારોનો આ અવાજ આંદોલનકારી વિદ્યાર્થીઓ માટે મોટું નૈતિક સમર્થન બની રહ્યો છે.