ઉત્તરાખંડમાં બે પેપર લીક
- જંતર-મંતર પ્રદર્શન વચ્ચે ટેક્નિકલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના
- વોટ્સએપ પર પેપર વાયરલ કરનાર પ્રોફેસર સસ્પેન્ડ
- દેશના યુવાનો શિક્ષણ સિસ્ટમ માટે લડત લડી રહ્યા છે ત્યારે જ પેપર લીકથી યુવાનોનો ગુસ્સો સાતમાં આસમાને
- સિટી ન્યૂઝ@નવી દિલ્હી
દેશભરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પેપર લીક મુદ્દે ચાલી રહેલા ભારે હોબાલા વચ્ચે ઉત્તરાખંડમાંથી એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજધાની દેહરાદૂન સ્થિત વીર માધો સિંહ ભંડારી ઉત્તરાખંડ ટેક્નિકલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના બે પેપર કથિત રીતે લીક થઈ ગયા છે, જેને પગલે યુનિવર્સિટી તંત્ર દ્વારા બંને વિષયોની પરીક્ષાઓ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવી છે. આ ગંભીર પ્રકરણ સામે આવતા શૈક્ષણિક જગતમાં હલચલ મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શિવાલિક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને પેપર સેટર તરીકે પ્રશ્નપત્રો તૈયાર કરતા આશિષ કુમાર નામના શિક્ષક પર આ ગંભીર આરોપ લાગ્યો છે. આ પ્રોફેસરે કોલેજના જ વોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થીઓને આગામી પરીક્ષાના સમાન પ્રશ્નો મોકલી આપ્યા હતા. આ મામલો સપાટી પર આવતા જ યુનિવર્સિટી વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે બંને પેપર રદ કરવાનો નિર્ણય લીધો હતો.
યુનિવર્સિટીના કુલપતિ તુમા ઠાકુરે આ સમગ્ર ઘટના અંગે ખુલાસો કરતા અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ શિક્ષકે પોતાના જ રર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીરતાપૂર્વક ચેડાં કર્યા છે. કુલપતિએ જાહેરાત કરી છે કે યુનિવર્સિટી તંત્રએ દોષિત શિક્ષકને આગામી સાત વર્ષ સુધી યુનિવર્સિટીની કોઈપણ પ્રકારની પરીક્ષા કે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકીને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ, જે કોલેજમાં આ શિક્ષક કામ કરે છે તે સંસ્થાએ પણ તેની સામે સત્તાવાર રીતે કેસ દાખલ કરવો જોઈએ તેવી કાનૂની માંગ કરવામાં આવી છે. યુનિવર્સિટીનું માનવું છે કે માત્ર સસ્પેન્શન પૂરતું નથી, પરંતુ આવા બેજવાબદાર કૃત્ય કરનાર શિક્ષકો સામે દાખલારૂપ કડક પગલાં લેવા અનિવાર્ય છે.
તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે જે પેપર લીક થયું હતું તે સંબંધિત કોલેજનું જ હતું, અને પ્રાથમિક તપાસમાં અનિયમિતતાઓ જણાતા અન્ય પેપર પણ રદ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રદ કરાયેલી આ પરીક્ષાઓ હવે આગામી ઓગસ્ટ મહિનામાં ફરીથી લેવામાં આવશે, જેની નવી તારીખો ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓમાં પારદર્શિતા અને સુરક્ષા સામે મોટા સવાલો ખડા કર્યા છે.