ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયા નિધન
-
બે હજાર વીસમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો
-
ત્રણ દિવસમાં કોંગ્રેસને બીજો મોટો ઝટકો
-
વીરજી ઠુમ્મર બાદ દીપક બાબરિયાનું અવસાન થયું
સિટી ન્યુઝ @ અમદાવાદ
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ અને કદાવર નેતા દીપક બાબરિયાનું દુખદ નિધન થયું છે. લાંબા સમય સુધી કોંગ્રેસ પક્ષમાં વિવિધ સ્તરે અત્યંત મહત્ત્વની જવાબદારીઓ કુશળતાપૂર્વક નિભાવનાર દીપક બાબરિયાના અવસાનથી સમગ્ર કોંગ્રેસ પક્ષમાં ઊંડા શોકની કાલિમા છવાઈ ગઈ છે. નોંધનીય છે કે, વર્ષ 2020 માં તેમને ગંભીર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારથી તેઓ સતત અસ્વસ્થતાના કારણે સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા. તેમના આ દુખદ અવસાન અંગે કોંગ્રેસના તમામ નાના-મોટા નેતાઓ અને કાર્યકરોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
દીપક બાબરિયાએ પોતાની લાંબી રાજકીય કારકિર્દીની શરૂઆત શ્રમિકો અને ઇન્ડસ્ટ્રીયલ યુનિયનના પ્રશ્નો માટે જોરશોરથી અવાજ ઉઠાવીને કરી હતી. શ્રમિકોના હિતો માટેની તેમની આક્રમક રજૂઆતો અને લડાયક મૂડના કારણે જ તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એક મજબૂત નેતા તરીકે જાણીતા બન્યા હતા. જમીની સ્તરથી કામ કરીને પક્ષને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા હંમેશા અગ્રેસર રહી હતી.
જ્યારે તેમને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે પ્રદેશ પ્રભારી તરીકેની અત્યંત મહત્ત્વની જવાબદારી સોંપાઈ હતી, ત્યારે તેમની ઉત્કૃષ્ટ સંગઠનાત્મક કૌશલ્ય અને સચોટ વ્યુહરચનાના આધારે જ કોંગ્રેસે મધ્યપ્રદેશમાં કમલનાથના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા, પ્રામાણિકતા અને અથાક પરિશ્રમ હંમેશા યાદગાર રહેશે.
દિપક બાબરિયા અગાઉ કોંગ્રેસમાં પૂર્વ મહામંત્રી પદે પણ રહ્યા હતા અને તેમને મધ્યપ્રદેશના ઇન્ચાર્જ તરીકે પણ નિયુક્ત કરાયા હતા. તેઓ કોંગ્રેસ પક્ષમાં વિવિધ મહત્ત્વના પદો પર સેવાઓ આપી ચૂક્યા છે. જો કે, તેમના આ અણધાર્યા નિધનથી ગુજરાત કોંગ્રેસને માત્ર ત્રણ જ દિવસમાં બીજો અત્યંત મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે માત્ર ત્રણ દિવસ પહેલા જ કોંગ્રેસના અમરેલીના કદાવર નેતા વીરજી ઠુમ્મરનું પણ લાંબી માંદગી બાદ નિધન થયું હતું.
ગુજરાતની રાજનીતિમાં એકસાથે બે દિગ્ગજ નેતાઓની વિદાયથી પક્ષને ક્યારેય ન ભરાઈ તેવી ખોટ પડી છે. પ્રજાના પ્રશ્નો અને શ્રમિકોના અધિકારો માટે આજીવન સંઘર્ષ કરનાર આ નેતાની ખોટ રાજકીય જગતમાં હંમેશા સાલ્યા કરશે.
રાજકીય જગત અને દિગ્ગજ નેતાઓની વિદાય
પક્ષ અને જનતા માટે સમર્પિત ભાવથી સેવા આપનાર નેતાઓનું ચાલ્યું જવું એ લોકશાહી અને સંગઠન માટે મોટી ક્ષતિ છે.