હાર્ડ ડ્રાઈવના ભાવમાં ત્રણ ગણો ઉછાળો! દિવાળી ટાણે લેપટોપ ખરીદવું મોંઘું સાબિત થશે!
-
હાર્ડ ડ્રાઈવ મોંઘી થતાં કોમ્પ્યુટર ખરીદવું મુશ્કેલ!
-
દિવાળીની સીઝનમાં ગ્રાહકો પર મોંઘવારીનો ફટકો!
-
AI ના કારણે હાર્ડ ડ્રાઈવના ભાવ આસમાને!
સિટી ન્યુઝ @ અમદાવાદ
છેલ્લા બે મહિનાથી હાર્ડ ડ્રાઈવના ભાવ ત્રણ ગણા વધી જતાં હવે સામાન્ય માણસ માટે કોમ્પ્યુટર કે લેપટોપ ખરીદવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. છેલ્લા બે વર્ષથી મેમરીના ભાવ વધવાને કારણે કોમ્પ્યુટર માર્કેટ આમ પણ મોંઘું થઈ ગયું હતું.
પરંતુ છેલ્લા બે મહિનામાં હાર્ડ ડ્રાઈવની કિંમતોમાં અચાનક થયેલા મોટા ઉછાળાને કારણે કોમ્પ્યુટર અને લેપટોપની એકંદર કિંમતો ફરી એકવાર આસમાને પહોંચી છે. હાલમાં દિવાળીની સીઝન શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે ઈ-કોમર્સ કંપનીઓ ઓફરો આપી રહી છે પરંતુ હાર્ડ ડ્રાઈવના ભાવ ડમી ગયા છે.
જે હાર્ડ ડ્રાઈવ પહેલાં 4,000 થી 5,000 રૂપિયામાં મળતી હતી, તે હવે સીધી 11,000 થી 12,000 રૂપિયાની કિંમતે પહોંચી ગઈ છે. આ કિંમત વધારાની સીધી અસર કોમ્પ્યુટરની ઓવરઓલ ખરીદી પર પડી રહી છે અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.
SSDના ભાવ તો અગાઉથી જ વધારે હતા, પરંતુ હવે સસ્તી ગણાતી સામાન્ય હાર્ડ ડ્રાઈવના ભાવ પણ બમણાથી ત્રણ ગણા થઈ ગયા છે. શાળાના બાળકોથી લઈને કોર્પોરેટ પ્રોફેશનલ્સ સુધીના તમામ લોકો માટે નવું ડિવાઈસ ખરીદવું મોંઘું સાબિત થઈ રહ્યું છે.
નિષ્ણાતોના મતે, આ કિંમત વધારા પાછળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નું ફેક્ટર જવાબદાર છે. AI પ્રોસેસિંગમાં મોટો ડેટા જનરેટ થવાથી કંપનીઓ બલ્ક ઓર્ડર આપી રહી છે, જેના કારણે બજારમાં આ સ્થિતિ ઊભી થઈ છે.
હાર્ડ ડ્રાઈવના ભાવ આસમાને
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ડેટા સ્ટોરેજની અતિશય માંગ વધવાના કારણે છેલ્લા બે મહિનામાં હાર્ડ ડ્રાઈવના ભાવ ત્રણ ગણા સુધી વધી ગયા છે. એક તરફ દિવાળીની ખરીદીનો માહોલ છે ત્યારે ચાર હજાર રૂપિયામાં મળતી હાર્ડ ડ્રાઈવ બાર હજાર સુધી પહોંચતા વિદ્યાર્થીઓ અને સામાન્ય ગ્રાહકો માટે કોમ્પ્યુટર કે લેપટોપ વસાવવું એક મોટો આર્થિક બોજ બની ગયો છે.