કરોડોના ફ્લેટ મળ્યા છતાં જૂના ક્વાર્ટર્સનો મોહ!
-
કરોડોના ફ્લેટ છતાં જૂના ક્વાર્ટર્સ ખાલી ન કર્યા!
-
મફતની સગવડ માટે ધારાસભ્યોની અજીબ જીદ!
-
સરકારી ક્વાર્ટર્સ પર જનપ્રતિનિધિઓનો ગેરકાયદેસર કબજો!
સિટી ન્યુઝ @ અમદાવાદ
જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ધુમાડા કરીને ગાંધીનગરમાં ધારાસભ્યો માટે સ્વર્ગ જેવા આલીશાન લક્ઝુરિયસ ફ્લેટ્ઝ બનાવી દેવાયા છે. પાટનગરમાંથી બેઠી અઢી કરોડ રૂપિયાના લક્ઝુરિયસ ફ્લેટ ફાળવવામાં આવ્યા તેમ છતાં, પ્રજાના કહેવાતા સેવકોનો મફતની સુવિધા ભોગવવાનો મોહ છૂટતો નથી.
વિધાનસભાના ઉપાધ્યક્ષ, 4 મંત્રીઓ સહિત 40થી વધુ ધારાસભ્યોએ હજી સુધી જૂના એમ.એલ.એ. ક્વાર્ટર્સ પરથી પોતાનો કબજો છોડ્યો નથી. શાસક પક્ષ ભાજપ હોય, વિપક્ષ કોંગ્રેસ હોય કે પછી આપ, જ્યારે મફતનું ભાડું અને સરકારી સુવિધા ભોગવવાની વાત આવે ત્યારે તમામ નેતાઓ જાણે ભાઈ-ભાઈ બની જાય છે.
ગત દિવાળીથી જ ધારાસભ્યોને તમામ સુવિધાઓથી સજ્જ લક્ઝુરિયસ ફ્લેટ ફાળવી દેવાયા છે. આ વાતને એકાદ વર્ષ વીતવા છતાં મંત્રીઓથી માંડીને વિવિધ પક્ષોના ધારાસભ્યો રોજનું સવા રૂપિયો ભાડું ધરાવતાં જૂના એમએલએ ક્વાર્ટર્સ ખાલી કરવા તૈયાર નથી.
આંધળી મફતખોરીનો લાભ લઈને ઘણા ધારાસભ્યોએ આ ક્વાર્ટર્સ પોતાના સગા-સંબંધીઓ, ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અથવા સુરક્ષા કર્મીઓને બારોબાર રહેવા માટે પધરાવી દીધા છે. કેટલાક ધારાસભ્યો તો બારોબાર ક્વાર્ટર્સનું ભાડું પણ ઉઘરાવી રહ્યા છે.
વહીવટી તંત્ર રાજકીય દબાણ હેઠળ કોઈ જ કડક કાર્યવાહી કરી શકતું નથી, જેના કારણે ધારાસભ્યો લક્ઝુરિયસ ફ્લેટ તેમજ જૂના ક્વાર્ટર્સ એમ બંને સુવિધાઓ એકસાથે બેફામપણે ભોગવી રહ્યાં છે અને સરકારી નિયમોના લીરેલીરા ઉડાડી રહ્યા છે.
-
મફતખોરીના નામે શાસક અને વિપક્ષ ભાઈ-ભાઈ!
જનતાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચીને ધારાસભ્યો માટે અત્યાધુનિક સુવિધાઓવાળા આલીશાન લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે અને તે ફાળવી પણ દેવાયા છે. આમ છતાં, પાટનગરમાં દૂધની થેલી કરતાં પણ ઓખા ભાડાવાળા જૂના સરકારી ક્વાર્ટર્સને ખાલી ન કરીને મફતની સગવડ ભોગવવાની નેતાઓની આ માનસિકતા પ્રજા સાથે સીધી મશ્કરી સમાન છે.