ગાંધીનગર મનપા ચૂંટણીમાં ઓછું 59.25% સરેરાશ મતદાન
-
એક લાખથી વધુ મતદારોએ વોટિંગ ન કર્યું
-
મતદારોનો ઉત્સાહ ઠંડો અને પાંખી હાજરી
-
નાના મોટા છમકલા અને ચાર ઇવીએમ બદલ્યા
સિટી ન્યુઝ @ ગાંધીનગર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ સાવ ઠંડો રહ્યો હતો, જેના પરિણામો દિવસના અંતે સરેરાશ માત્ર 59.25 ટકા જેટલું સામાન્ય મતદાન નોંધાયું છે. ગાંધીનગર મનપાની આ ચૂંટણીમાં એક લાખથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું, જેને લઈને રાજકીય વિશ્લેષકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને આ ઓછું મતદાન આગામી સમયમાં રાજકીય પક્ષોના સમીકરણોમાં મોટી ઉથલપાથલ સર્જી શકે છે.
ગાંધીનગર મનપાના તમામ 11 વોર્ડમાં આવેલા કુલ 269 મતદાન મથકો પર વહેલી સવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, શરૂઆતના કલાકોથી જ મતદારોમાં મતદાન પ્રત્યે કોઈ ખાસ ઉત્સાહ કે ચહેલપહલ જોવા મળી નહોતી. પ્રથમ બે કલાક એટલે કે સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન માંડ 5.80 ટકા જેટલું અત્યંત ધીમું મતદાન થયું હતું, જેણે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોની ચિંતામાં વધારો કરી દીધો હતો.
દિવસ આગળ વધતા મતદાનનો ગ્રાફ ઊંચો જશે તેવી રાજકીય પક્ષો અને ચૂંટણી તંત્રની અપેક્ષાઓ ઠગારી નીવડી હતી, કારણ કે સવારે 11 વાગ્યા સુધીમાં પણ સરેરાશ મતદાન માંડ 18.24 ટકા સુધી જ પહોંચી શક્યું હતું. બપોરના સમયની ભારે ગરમી તેમજ નવરાત્રિ પર્વના પ્રારંભની સીધી અસર પણ મતદાન પર જોવા મળી હતી, કારણ કે લોકો તહેવારની ખરીદી અને તૈયારીઓમાં વ્યસ્ત રહેતા મતદાન મથક સુધી પહોંચવાનું ટાળ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન નાના-મોટા છમકલા અને વિવાદો લગભગ તમામ વોર્ડમાં જોવા અને સાંભળવા મળ્યા હતા. જ્યારે કેટલીક જગ્યાએ તકનીકી ખામી સર્જાવાને કારણે ચૂંટણી તંત્રને વોર્ડ નંબર 1, 2, 6, અને 10 માં ઇવીએમ (EVM) મશીનો બદલવાની ફરજ પડી હતી, જેથી મતદાન પ્રક્રિયા થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી પરંતુ બાદમાં તેને રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી.
શહેરી વિસ્તારોમાં લોકશાહીના આ મહાપર્વ પ્રત્યે નાગરિકોની આ પ્રકારની ઉદાસીનતા અને નિરસતા ભવિષ્યની રાજકીય વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે લોકશાહીને મજબૂત કરવા માટે દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે.
ચૂંટણી અને નાગરિક ઉદાસીનતા
મતદાન એ દરેક નાગરિકનો પવિત્ર અધિકાર છે અને તેનાથી જ યોગ્ય નેતૃત્વની પસંદગી થતી હોય છે.