ગુજરાતમાં નબળા ચોમાસાથી જળસંકટના વાદળો ઘેરાયા! 78 ડેમમાં 25 ટકાથી પણ ઓછું પાણી!
-
રાજ્યમાં અપૂરતા વરસાદથી ગંભીર જળસંકટ સર્જાશે!
-
206 ડેમમાં માત્ર 69.56 ટકા જ પાણી!
-
કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ભારે કૃપા ઘટી!
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાતમાં ચાલુ વર્ષે નબળું ચોમાસું વિધિવત વિદાય લઈ ગયું છે અને હવે વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી, ત્યારે રાજ્ય પર જળસંકટની ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. રાજ્યના અનેક ડેમમાં પૂરતું પાણી ન આવવાને કારણે આગામી સમયમાં ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.
ચાલુ વર્ષે સરેરાશના 89.19 ટકા જ વરસાદ નોંધાયો છે, જેના કારણે રાજ્યના 206 ડેમમાં કુલ ક્ષમતાના માત્ર 69.56 ટકા પાણી જ ઉપલબ્ધ છે. આ પૈકી ફક્ત 23 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે, જ્યારે 78 ડેમ એવા છે જેમાં 25 ટકા પણ પાણી નથી.
વિસ્તારવાર સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ 114.23 ટકા વરસાદ થયો છે, પરંતુ પૂર્વ મધ્ય ગુજરાતમાં 89.67 ટકા અને ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા જ વરસાદ નોંધાયો છે. બીજી તરફ, સૌરાષ્ટ્રમાં 71.43 ટકા અને કચ્છમાં માત્ર 57.60 ટકા જ વરસાદ થયો છે.
મુખ્ય જળાશયોની પરિસ્થિતિ પર નજર કરીએ તો સીપુ ડેમમાં માત્ર 4.11 ટકા, ઉન્ડ-1માં 13.80 ટકા, ભાદરમાં 19.45 ટકા અને દાંતીવાડા ડેમમાં 23.80 ટકા પાણી જ બચ્યું છે, જે ચિંતાજનક છે.
આવી વિકટ પરિસ્થિતિમાં સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈને 3,34,080 એમસીએફટી પાણીનો સંગ્રહ કરીને રાજ્ય માટે એકમાત્ર આશાનું કિરણ સાબિત થયો છે, છતાં દિવાળી બાદ જળ વ્યવસ્થાપનમાં સરકારની અગ્નિપરીક્ષા થશે.
પાણીની અછત અને ગંભીર જળસંકટ
ચાલુ વર્ષે અપૂરતા અને નબળા ચોમાસાના કારણે ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીનો સંગ્રહ ભયજનક સપાટીએ પહોંચી ગયો છે. રાજ્યના 78 જેટલા ડેમોમાં પચીસ ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે, જેના કારણે આગામી ઉનાળામાં પીવાનાં અને સિંચાઈનાં પાણી માટે ગંભીર કટોકટી સર્જાવાની પૂરી શક્યતા છે.