અંબાજી અને ચોટીલામાં દર્શન સમય બદલાયો નવરાત્રિ મહોત્સવ નિમિત્તે આરતીના સમયમાં ફેરફાર
-
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવું સમયપત્રક
-
ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા સમય જાહેર
-
ભક્તજનો માટે ખાસ નોંધ લેવા વિનંતી
સિટી ન્યુઝ @ અંબાજી
આસો નવરાત્રિ 2026 ના પાવન અવસરે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામો એવા અંબાજી અને ચોટીલા ખાતે દર્શન, આરતી તેમજ અન્ય ધાર્મિક વિધિઓના સમયમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તારીખ 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધીના નવ દિવસીય મહોત્સવ માટે નવા સમયપત્રક મુજબ જ દર્શન અને આરતી યોજાશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ ચોટીલા ખાતે પણ શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ જણાવતા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે શક્તિપીઠ અંબાજી ખાતે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે થતા બદલાવ તેમજ આસો નવરાત્રિ મહોત્સવની વિશેષ વિધિઓને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. આ નવો સમય આસો સુદ એકમ એટલે કે 11 ઓક્ટોબરથી શરૂ કરીને આસો સુદ આઠમ એટલે કે 19 ઓક્ટોબર સુધી અવિરતપણે અમલમાં રહેશે, જેથી દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થાય.
ચોટીલા ડુંગર પર બિરાજમાન મા ચામુંડાના મંદિરે પણ આસો નવરાત્રી 2026 અંતર્ગત આરતી, હવનાષ્ટમી અને મહાપ્રસાદ તેમજ ભોજન પ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સચોટ સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં ઉમટી પડનાર માઈભક્તો પોતાની દૈનિક પૂજા અને દર્શનની વિધિઓ આ નવા નિર્ધારિત સમય અનુસાર જ પૂર્ણ કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં માં અંબા અને મા ચામુંડાના દર્શન કરવા માટે ગુજરાત તેમજ દેશભરમાંથી લાખો ભક્તો પદયાત્રા કરીને કે વાહનો દ્વારા પહોંચતા હોય છે. ભક્તોની ભારે ભીડ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેથી ઉત્સવ દરમિયાન કોઈ અવરોધ ન આવે.
ભાવિક ભક્તોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ યાત્રા શરૂ કરતા પહેલા નવા સમયપત્રક અંગેની સંપૂર્ણ માહિતી મેળવી લે અને તે મુજબ જ પોતાના દર્શનનું આયોજન કરે, જેથી તેઓ માતાજીના અલૌકિક દર્શનનો લાવો સરળતાથી પ્રાપ્ત કરી શકે.
ધાર્મિક ઉત્સવ અને મંદિર વ્યવસ્થા
નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન મંદિરોમાં દર્શનના સમયમાં કરવામાં આવતા ફેરફારો ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે અત્યંત જરૂરી છે.
દર્શન અને આરતીનો નવો સમય (11મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર)
•સવારની આરતી: સવારે 7:30થી 8:00 વાગ્યા સુધી
•સવારના દર્શન: સવારે 8:00થી 11:30 વાગ્યા સુધી
•રાજભોગ: બપોરે 12:00 વાગ્યે
•બપોરના દર્શન: બપોરે 12:30થી 16:15 વાગ્યા સુધી
•સાંજની આરતી: સાંજે 6:30થી 7:00 વાગ્યા સુધી
•સાંજના દર્શન: સાંજે 7:00થી 9:00 વાગ્યા સુધી
નવરાત્રિ મહોત્સવ અંતર્ગત વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
•ઘટ સ્થાપન: આસો સુદ-1 (11મી ઓક્ટોબર)ના રોજ સવારે 9:00થી 10:30 વાગ્યા સુધી
•દુર્ગાષ્ટમી (આઠમ): આસો સુદ-8 (19મી ઓક્ટોબર) ના રોજ સવારે 6:00 વાગ્યે આરતી
•ઉત્થાપન: આસો સુદ-8 ( (19મી ઓક્ટોબર))ના રોજ સવારે 10:00 વાગ્યે
•દૂધ પૌંઆનો ભોગ: 25મી ઓક્ટોબરનાના રોજ રાતે 12:00 વાગ્યે કપૂર આરતી
•પૂનમની આરતી: આસો સુદ-15 (પૂનમ) 26મી ઓક્ટોબરના રોજ સવારે 6:00 વાગ્યે આરતી
ઉલ્લેખનીય છે કે, 20મી ઓક્ટોબરથી મા અંબાના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ થઈ જશે.
ચોટીલા ડુંગર પર નવરાત્રિ નિમિત્તે મા ચામુંડાના દર્શન-આરતીના સમય જાહેર
આરતી અને પગથિયાના દ્વારનો સમય
•પગથિયાનો દ્વાર: દર્શાનાર્થીઓ માટે ડુંગર પર જવાનો પગથિયાનો દ્વાર સવારની આરતીના સમયથી 30 મિનિટ પહેલાં ખોલી દેવામાં આવશે. •સાંજની આરતી: નવરાત્રિ દરમિયાન દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે રહેશે.
•હવનાષ્ટમી (હવન): 18મી ઓક્ટોબરના રોજ ડુંગર ઉપર પવિત્ર હવનનું આયોજન થશે અને બપોરે 2:30 વાગ્યે બીડું હોમાશે.
•ભોજન પ્રસાદી: નવરાત્રિ દરમિયાન હવનાષ્ટમી સિવાયના બાકીના આઠ નોરતાના દિવસે મંદિર ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય બપોરે 11:00થી 2:00 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે હવનાષ્ટમીના દિવસે (18મી ઓક્ટોબર) બીડું હોમાયા બાદ બપોરે 3:00 વાગ્યાથી ભોજન પ્રસાદી શરૂ થશે.