Loading Please Wait !!!
એન્ટાર્કટિકામાં ચમત્કારિક ઘટના: 2 વર્ષમાં અચાનક 695 અબજ ટન બરફ વધતાં વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત

 

  • 2021 થી 2023 વચ્ચે પૂર્વ એન્ટાર્કટિકામાં અકલ્પનીય 695 અબજ ટન બરફ વધતાં સંશોધકોમાં ભારે કુતૂહલ

  • ઉષ્ણકટિબંધીય સમુદ્રના વધતા તાપમાને વૈશ્વિક પવનોની દિશા બદલી ભેજને સીધો સાઉથ પોલ તરફ ધકેલ્યો

  • વિશ્વપ્રસિદ્ધ 'નેચર' જર્નલમાં પ્રકાશિત અભ્યાસ: સ્થાનિક નહીં પણ દરિયાઈ ગરમી બરફ વધવા માટે કારણભૂત

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

વૈશ્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના ગંભીર સંકટ વચ્ચે પૂર્વ એન્ટાર્કટિકાના અત્યંત ઠંડા અને બરફીલા વિસ્તારમાંથી એક અકલ્પનીય અને આશ્ચર્યજનક વિગત સામે આવી છે. વર્ષ 2021 થી 2023 ના માત્ર બે વર્ષના ટૂંકા ગાળા દરમિયાન અહીં અચાનક 695 અબજ ટન બરફનો વિશાળ વધારો નોંધાયો છે. દાયકાઓથી એન્ટાર્કટિકાનો બરફ સતત પીગળી રહ્યો હોવાની વૈશ્વિક ચિંતા વચ્ચે આ ઘટનાએ લાંબા ગાળાના બરફ પીગળવાના દર પર ક્ષણિક બ્રેક લગાવી દેતાં સમગ્ર વિશ્વનો વૈજ્ઞાનિક સમુદાય આશ્ચર્યમાં મુકાઈ ગયો છે.

વિશ્વવિખ્યાત વિજ્ઞાન સામાયિક 'નેચર' (Nature) જર્નલમાં ઓગસ્ટ માસમાં પ્રકાશિત થયેલા એક ઊંડાણપૂર્વકના સંશોધન અહેવાલ મુજબ, આ અસામાન્ય ઘટના પાછળ કોઈ સ્થાનિક પરિબળ જવાબદાર નથી. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે એન્ટાર્કટિકા ખંડથી હજારો માઇલ દૂર આવેલા ઉષ્ણકટિબંધીય મહાસાગરો (Tropical Oceans) માં અસાધારણ રીતે વધેલું તાપમાન આ ફેરફારનું મુખ્ય કારણ બન્યું હતું.

સમુદ્રની આ અતિશય ગરમીને કારણે પૃથ્વીના વાતાવરણીય પવનોના પરંપરાગત ચક્રમાં મોટો ફેરફાર સર્જાયો હતો. આ ચક્રવ્યૂહને લીધે દરિયા પરથી ભારે માત્રામાં ભેજવાળા પવનો સીધા દક્ષિણ ધ્રુવ એટલે કે એન્ટાર્કટિકા તરફ ધકેલાયા હતા, જેના પરિણામે પૂર્વ એન્ટાર્કટિકાના પ્રદેશમાં માનવ ઇતિહાસની સૌથી અસાધારણ અને પ્રચંડ હિમવર્ષા થઈ હતી. આ અણધારી હિમવર્ષાના કારણે ટૂંકા સમયમાં જંગી માત્રામાં બરફનો નવો થર જામી ગયો હતો, જે વૈશ્વિક આબોહવા પ્રણાલીની અકળ ગતિવિધિઓને છતી કરે છે.

એન્ટાર્કટિકામાં 695 અબજ ટન બરફ વધ્યો

વર્ષ 2021 થી 2023 દરમિયાન પૂર્વ એન્ટાર્કટિકામાં અચાનક 695 અબજ ટન બરફનો વધારો થતાં બરફ પીગળવાની ઝડપ ક્ષણિક થંભી ગઈ છે. 'નેચર' જર્નલના અહેવાલ અનુસાર, હજારો માઇલ દૂર ઉષ્ણકટિબંધીય મહાસાગરોમાં વધેલી ગરમીથી વાતાવરણીય પવનોનું ચક્ર બદલાતાં ભારે ભેજ સીધો એન્ટાર્કટિકા તરફ ધકેલાયો હતો અને ત્યાં વિક્રમજનક હિમવર્ષા થઈ હતી.

 

દરિયાની ગરમી અને વાતાવરણનું ચક્ર 
ચીનની ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સિસના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોલોજી (ઈંઘઈઅજ) ના સંશોધકો દ્વારા કરવામાં આવેલાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ઇન્ડોનેશિયા, પશ્ચિમ પેસિફિક અને પૂર્વ હિંદ મહાસાગર જ્યાં ભેગા થાય છે તે 'ટ્રોપિકલ વાર્મ પૂલ' નામના વિશાળ દરિયાઈ વિસ્તારનું તાપમાન 2021 થી 2023 દરમિયાન સતત અસામાન્ય રીતે ઊંચું રહ્યું હતું.

મહાસાગરના આ અત્યંત ગરમ પાણીએ વાતાવરણના ઉપરના ભાગમાં 'રોસબી વેવ ટ્રેન' તરીકે ઓળખાતી વિશાળ હવાઈ તરંગોની શ્રેણી ઊભી કરી હતી. આ હવાના દબાણની તરંગો કોઈ વિશાળ વાવાઝોડાની જેમ મુસાફરી કરતી હજારો કિલોમીટર દૂર દક્ષિણ ધ્રુવ તરફ આગળ વધી હતી અને તેણે એન્ટાર્કટિકાની આસપાસના સમગ્ર સ્થાનિક હવામાન અને પવનોની દિશાને સંપૂર્ણપણે બદલી નાખી હતી.

હવામાનમાં મોટો ફેરફાર અને ભેજનું વહન 
ઉષ્ણકટિબંધિય દરિયાઈ ગરમીનાં પરિણામે એન્ટાર્કટિકા અને તેની આસપાસનાં મહાસાગરો પર હવાનાં દબાણનું એક અનોખું ચક્ર રચાયું હતું. સંશોધકોએ નોંધ્યું કે ઓસ્ટ્રેલિયાનાં દક્ષિણ ભાગમાં અસાધારણ રીતે ઓછા દબાણનું ક્ષેત્ર ઊભું થયું હતું, જ્યારે પૂર્વ એન્ટાર્કટિકાના દરિયાકાંઠે ભારે દબાણનો પટ્ટો બન્યો હતો.

આ બે પરસ્પર વિરોધી દબાણોને કારણે એક કુદરતી 'નોર્થ-સાઉથ ડિપોલ' (ચક્ર) તૈયાર થયું, જેણે હિંદ મહાસાગરમાંથી વિપુલ પ્રમાણમાં પાણીની વરાળ અને ભેજ ખેંચવાનું શરૂ કર્યું. આ ભેજ 'એટમોસ્ફિયરિક રિવર્સ' એટલે કે આકાશમાં વહેતી ભેજની વિશાળ નદીઓ મારફતે ખૂબ જ ઝડપથી અને સીધા માર્ગે પૂર્વ એન્ટાર્કટિકાના હૃદયસમા વિસ્તારો તરફ ફંટાયો હતો.

રેકોર્ડબ્રેક હિમવર્ષા અને બરફનો વધારો 
ભેજથી લદાયેલી આ ગરમ હવા જ્યારે એન્ટાર્કટિકાના અતિશય ઠંડા વાતાવરણ અને બરફીલા પવનોના સંપર્કમાં આવી, ત્યારે ત્યાં સતત અને અતિભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી.

ખાસ કરીને એન્ટાર્કટિકાના 'ક્વીન મેરી લેન્ડ' અને 'વિલ્ક્સ લેન્ડ' નામના વિસ્તારોમાં મહિનાઓ સુધી સઘન બરફ પડતો રહ્યો હતો. 'ગ્રેસ' (GRACE) નામના ગ્રેવિટી સેટેલાઇટ મિશન દ્વારા લેવાયેલા માપન, બરફની અંદરના નમૂનાઓ (આઇસ કોર) અને વાતાવરણીય મોડેલોના ડેટા દર્શાવે છે કે આ સમયગાળામાં ખંડ પર કુલ 695 અબજ ટન બરફ ઉમેરાયો હતો.

છેલ્લા બે દાયકામાં એન્ટાર્કટિકા દર વર્ષે સરેરાશ 140.5 અબજ ટન બરફ ગુમાવતું હતું, જેની સામે આટલો મોટો બરફનો વધારો સેટેલાઇટ ઇતિહાસની સૌથી અદ્ભુત કુદરતી ઘટના બની ગઈ છે.

ગ્લોબલ વોર્મિંગ અને કુદરતી ફેરફાર 
આ ઘટના સામે આવ્યાં બાદ વૈજ્ઞાનિકોએ એ પણ ઊંડાણપૂર્વક તપાસ્યું કે આ અસાધારણ હિમવર્ષામાં માનવસર્જિત ગ્લોબલ વોર્મિંગ કે પ્રદૂષણની કેટલી ભૂમિકા હતી. ક્લાઇમેટ મોડેલના પ્રયોગો અને ડેટાના પૃથક્કરણ પરથી ખબર પડી કે માનવસર્જિત ગ્લોબલ વોર્મિંગના કારણે વધેલાં ભેજનો હિસ્સો આ આખી ઘટનામાં માત્ર 9 ટકા જેટલો જ હતો.

આ સાબિત કરે છે કે આ ઘટના મુખ્યત્વે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ન હતી, પરંતુ કુદરતી રીતે સમુદ્રનાં તાપમાનમાં આવતાં ફેરફારો અને તેનાં કારણે વાતાવરણનાં ચક્રમાં સર્જાયેલી અનોખી સ્થિતિનું પરિણામ હતી.

દરિયાઈ તાપમાનનું અદ્રશ્ય કંટ્રોલર 
આ મહત્ત્વપૂર્ણ સંશોધન પરથી વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યાં છે કે ઉષ્ણકટિબંધિય દરિયાઈ વિસ્તાર એન્ટાર્કટિકાના હવામાન અને બરફના સ્તર માટે એક અદ્રશ્ય 'રિમોટ રેગ્યુલેટર' તરીકે કામ કરે છે.

લાંબા ગાળાના આંકડાઓ દર્શાવે છે કે ઉષ્ણકટિબંધિય મહાસાગરમાં આવી સતત ગરમી દર દાયકામાં સરેરાશ એકાદ વાર જોવા મળે છે, જે વાતાવરણ મારફતે હજારો માઇલ દૂર આવેલાં બરફીલા ખંડ પર હિમવર્ષાનું પ્રમાણ નક્કી કરે છે. આ શોધથી પૃથ્વીનાં આબોહવા તંત્રની એક જટિલ કડી છતી થઈ છે કે કેવી રીતે વિષુવવૃત્ત પરના ગરમ પાણીની અસર પૃથ્વીના સૌથી ઠંડા છેડા પર પડે છે.

બરફ પીગળવાનો લાંબા ગાળાનો ભય હજુ પણ યથાવત 
695 અબજ ટન બરફનો આટલો વિશાળ વધારો થયો હોવા છતાં, અભ્યાસનાં મુખ્ય લેખક યુનહે વાંગ અને તેમની ટીમે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ ઘટના તદ્દન હંગામી (અસ્થાયી) છે અને તેનાથી એન્ટાર્કટિકાના વિનાશક બરફ પીગળવાની લાંબા ગાળાની પ્રક્રિયા અટકી નથી. પશ્ચિમ એન્ટાર્કટિકાના બરફના ખડકો હજુ પણ સતત પીગળી રહ્યાં છે અને ગરમ દરિયાઈ પ્રવાહો નીચેથી બરફને નબળો પાડી રહ્યાં છે.

વૈજ્ઞાનિકોના મતે આ હિમવર્ષાએ વૈશ્વિક સમુદ્રની સપાટી વધવાની પ્રક્રિયાને માત્ર થોડા સમય માટે ધીમી કરી છે, પરંતુ ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રી સપાટી વધવાનો અને દરિયાકાંઠાના વિસ્તારો ડૂબવાનો મોટો ખતરો હજુ પણ તેટલો જ ગંભીર બનીને ઊભો છે.