Loading Please Wait !!!
ટિકટોક પર ‘પ્રતિબંધ’ ; ‘મોતની પડીકી’ તમાકુ ઉપર કેમ નહીં ?

ગુજરાતના GEN-Zનો સરકારને સણસણતો સવાલ
  • તમાકુ પર લગાવો લગામ યુવાનોની સરકાર પાસે માંગ
  • દુકાનો ઉપર સપ્લાય જ બંધ કરી દે તો બજારમાં લોકો સુધી પહોંચે નહીં
  • સ્કૂલો-કોલેજોની બાજુમાં કડક નિયમોનું પણ ગુજરાતમાં કડક પાલન થતું નથી
સિટી ન્યૂઝ@ગાંધીનગર

શહેરમાં શેરીએ-ગલીએ ધમધમતા પાન પાર્લરો અને ત્યાં ખુલ્લેઆમ વેચાતા ગુટખા-તમાકુના મુધ્દે ગુજરાતના યુવાનોએ હવે ખુલીને પોતાનો અવાજ બુલંદ કર્યો છે. યુવાનોનો સીધો તર્ક છે કે, જો યુવા પેઢીનું ધ્યાન ભટકાવનારી ‘ટિકટોક’ (TikTok) જેવી ડિજિટલ એપ પર સરકાર રાતોરાત પ્રતિબંધ મૂકી શકતી હોય, તો સીધા મોતને નોતરું આપતા તમાકુ અને ગુટખા પર પ્રતિબંધ કેમ નહીં? આ માત્ર એક સવાલ નથી, પરંતુ દેશના યુવાધનને શારીરિક બરબાદીથી બચાવવા માટેની એક ગંભીર માંગ છે.

યુવાનોની સ્પષ્ટ માંગ છે કે શાળા-કૉલેજોની આસપાસ અને જાહેર સ્થળોએ મળતા ગુટખા-તમાકુના વેચાણ પર સરકારે કડક પ્રતિબંધ લાદવો જોઈએ. જો દુકાનો અને પાન-ગલ્લાઓ પરથી આ વસ્તુઓનો સપ્લાય જ બંધ કરી દેવામાં આવે, તો યુવાનોની પહોંચ ત્યાં સુધી  જશે નહીં. સરકાર દ્વારા માત્ર કાગળ પર નિયમો બનાવવા પૂરતા નથી, પરંતુ જમીની સ્તર પર તેના કડક અમલીકરણની અને કસૂરવારો સામે આકડા પગલાં લેવાની તાતી જરૂરિયાત છે.

માત્ર પ્રતિબંધ જ સંપૂર્ણ ઉકેલ નથી. જો લોકોની માનસિકતા નહીં બદલાય, તો આ પ્રતિબંધિત વસ્તુઓ પણ ખાનગી રાહે કે કાળાબજારમાં ઊંચા ભાવે વેચાવા લાગશે.

આજનો યુવા વર્ગ ‘સ્ટ્રેસ’ દૂર કરવાના ખોટા બહાના હેઠળ આ વ્યસનના રવાડે ચઢી રહ્યો છે અને પોતાના જીવનના અમૂલ્ય વર્ષો ગુમાવી રહ્યો છે. જો આજના યુવાનો પોતે જાગૃત થઈને આ ‘મોતની પડીકીઓ’ ખરીદવાનું બંધ કરી દેશે, તો વેપારીઓ આપમેળે જ તેનું વેચાણ બંધ કરવા મજબૂર બનશે. નિષ્કર્ષમાં કહી શકાય કે, વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે તાલી બંને હાથે વાગવી જરૂરી છે. એક તરફ સરકારે કડક કાયદા દ્વારા ખુલ્લેઆમ થતા વેચાણની સપ્લાય ચેઇન તોડવાની જરૂર છે, તો બીજી તરફ યુવાનોએ પોતાના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ગંભીરતા સમજીને સ્વયં આ ઝેરને જાકારો આપવો પડશે.