ક્રૂડ તેલ $100 ને પાર: તહેવારો ટાણે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરમાં ભાવવધારાની આશંકા
-
વૈશ્વિક માર્કેટમાં ક્રૂડના ભાવ 100 ડૉલરને આંબી જતાં ઘરેલુ બજારમાં ઇંધણના ભાવ વધવાની ભીતિ
-
સ્થાનિક એલપીજી 14.5 કિલો સિલિન્ડર પર ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ₹200 પ્રતિ સિલિન્ડર ખોટ
-
ભારત પોતાની જરૂરિયાતનું 90% ક્રૂડ અને 50% કુદરતી ગેસ વિદેશથી આયાત કરતો હોવાથી મોટો ફટકો
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ના ભાવમાં સતત થઈ રહેલા તોતિંગ વધારાએ ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ની ઊંઘ હરામ કરી દીધી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ 100 ડૉલરને પાર પહોંચી જતાં આગામી તહેવારોની મોસમમાં પેટ્રોલ, ડીઝલ તેમજ રાંધણગેસના ભાવમાં ફરી મોટો વધારો ઝીંકાવાની ગંભીર ચિંતા ઊભી થઈ છે. તહેવારો ટાણે જ જો ઇંધણના ભાવ વધશે તો સામાન્ય જનતાના બજેટ પર અસહ્ય મોંઘવારીનો બોજ પડશે.
સપ્ટેમ્બર મહિનાના સરેરાશ આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે ભારતીય ઓઇલ કંપનીઓને હાલમાં પેટ્રોલના વેચાણ પર પ્રતિ લિટર અંદાજે ₹5 અને ડીઝલના વેચાણ પર પ્રતિ લિટર ₹23 જેટલી જંગી ‘અન્ડર રિકવરી’ (ખોટ) ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત, ઘરેલું વપરાશ માટેના 14.5 કિલોગ્રામના એલપીજી (LPG) સિલિન્ડર દીઠ કંપનીઓને આશરે ₹200 ની ચોખ્ખી ખોટ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના અંદાજ મુજબ, વૈશ્વિક પરિસ્થિતિઓને જોતાં આગામી નવેમ્બર માસના અંત સુધી કાચા તેલના ભાવમાં કોઈપણ પ્રકારનો ઘટાડો થવાની સંભાવના જણાતી નથી.
ભારત પોતાની વાર્ષિક તેલ જરૂરિયાતના લગભગ 90 ટકા ક્રૂડ ઓઇલ અને 50 ટકા ગેસ વિદેશથી આયાત કરે છે. વૈશ્વિક સ્તરે ભાવ આસમાને પહોંચવાના કારણે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જુલાઈના ગાળામાં ભારતનું ક્રૂડ આયાત બિલ 56.5 ટકા જેટલું જંગી વધીને 63.4 બિલિયન ડૉલરે પહોંચી ગયું છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનની સ્થિતિ પણ અત્યંત અસ્થિર બનેલી છે, જેને પૂર્વવત સામાન્ય થતાં હજુ લાંબો સમય લાગે તેમ છે.
ક્રૂડ $100 ને પાર: પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની આશંકા
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ $100 ને પાર પહોંચતાં કંપનીઓને ડીઝલ પર ₹23, પેટ્રોલમાં ₹5 અને ગેસ સિલિન્ડર પર ₹200 ની ખોટ જઈ રહી છે. ભારત 90% ક્રૂડ આયાત કરતું હોવાથી એપ્રિલ-જુલાઈનું આયાત બિલ 56.5% વધી $63.4 બિલિયન થયું છે. નવેમ્બર સુધી રાહતના સંકેત ન હોવાથી તહેવારોમાં ભાવ વધવાના ભણકારા વાગી રહ્યા છે.