પીએમ મોદી પરની વિવાદિત ડોક્યુમેન્ટરી મામલે વળાંક: દિલ્હી હાઈકોર્ટે નવો દાવો કરવાની આપી મંજૂરી
-
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે જૂનો દાવો પરત ખેંચવાની મંજૂરી આપી
-
તમામ ટેકનિકલ અને કાનૂની પાસાઓને આવરી લઈને નવો કેસ દાખલ કરવામાં આવશે: સંસ્થાના વકીલની રજૂઆત
-
વિવાદિત ડોક્યુમેન્ટરી દ્વારા દેશ અને ન્યાયતંત્રની વૈશ્વિક પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો સંસ્થાનો આરોપ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) દ્વારા બનાવવામાં આવેલી અત્યંત વિવાદિત ડોક્યુમેન્ટરીને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈમાં મોટો વળાંક આવ્યો છે. ગુજરાત સ્થિત બિન-સરકારી સંસ્થા (NGO) ‘જસ્ટિસ ઓન ટ્રાયલ’ દ્વારા બીબીસી સામે દાખલ કરવામાં આવેલો રૂ. 10,000 કરોડનો હાઈ-પ્રોફાઈલ માનહાનિનો દાવો દિલ્હી હાઈકોર્ટમાંથી પાછો ખેંચી લેવામાં આવ્યો છે. જોકે, સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે આ વિવાદનો અંત નથી આવ્યો, પરંતુ તેઓ વધુ મજબૂત કાનૂની પુરાવાઓ અને આધારો સાથે બીબીસી વિરુદ્ધ નવો દાવો દાખલ કરશે.
બીબીસી દ્વારા પ્રસારિત કરાયેલી બે ભાગની ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ સામે આ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. અરજદાર સંસ્થાએ અદાલતમાં દલીલ કરી હતી કે આ ડોક્યુમેન્ટરીના માધ્યમથી માત્ર વડાપ્રધાનની પ્રતિષ્ઠાને જ નહીં, પરંતુ સમગ્ર ભારત દેશની વૈશ્વિક શાખ અને ભારતના સ્વતંત્ર ન્યાયતંત્રની પ્રણાલીને બદનામ કરવાનો સુનિયોજિત પ્રયાસ કરાયો હતો.
દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તુષાર રાવ ગેડેલાની બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદાર સંસ્થા તરફથી હાજર રહેલા એડવોકેટ સિદ્ધાર્થ શર્માએ રજૂઆત કરી હતી કે, તમામ જરૂરી કાનૂની પાસાઓ અને દસ્તાવેજોને સંપૂર્ણપણે આવરી લેવા માટે તેઓને હાલનો દાવો પાછો ખેંચવાની મંજૂરી આપવામાં આવે, જેથી તે જ વિષયવસ્તુ પર વધુ સક્ષમ નવો દાવો રજૂ કરી શકાય. હાઈકોર્ટે આ રજૂઆત માન્ય રાખી જૂનો દાવો નિકાલ કરી નવો કેસ ફાઇલ કરવાની છૂટ આપી હતી. કેન્દ્ર સરકારે અગાઉ જ આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી પર ભારતમાં પ્રતિબંધ મૂકેલો છે, ત્યારે હવે સંસ્થા કયા નવા દસ્તાવેજો સાથે અદાલતના દ્વાર ખટખટાવે છે તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે.
બીબીસી સામે નવો દાવો દાખલ થશે
પીએમ મોદી પર આધારિત વિવાદિત ડોક્યુમેન્ટરી મામલે ગુજરાતની સંસ્થાએ બીબીસી સામેનો ₹10,000 કરોડનો માનહાનિ દાવો દિલ્હી હાઈકોર્ટમાંથી પાછો ખેંચ્યો છે. સંસ્થા વધુ સચોટ પુરાવાઓ અને મજબૂત કાનૂની આધારો સાથે ટૂંક સમયમાં નવો દાવો દાખલ કરશે, જે અંગે હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે.