ફિલિપાઈન્સમાં ફેરી બોટમાં ભીષણ આગ: 5 લોકોના મોત, 80 થી વધુ લાપતા લોકોની શોધખોળ ચાલુ
-
બુધવારે રાત્રે પશ્ચિમ વિસ્તારના પલાવાન ટાપુ નજીક મુસાફરોથી ભરેલી ફેરીમાં અચાનક આગ ફાટી નીકળી
-
અત્યાર સુધીમાં 5 લોકોના મૃતદેહ મળી આવ્યા, જ્યારે 80 થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાની આશંકા
-
કોસ્ટ ગાર્ડ દ્વારા જારી કરાયેલા ફૂટેજમાં જહાજનો ભાગ સળગતો અને રેસ્ક્યુ ટીમ મૃતદેહો બહાર લાવતી દેખાઈ
સિટી ન્યુઝ @ મનિલા (ફિલિપાઈન્સ)
ફિલિપાઈન્સના પશ્ચિમ દરિયાકાંઠાના પલાવાન ટાપુ નજીક એક મુસાફર ફેરી બોટમાં ભીષણ આગ લાગવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 80 થી વધુ લોકો હજુ પણ લાપતા હોવાથી ભારે ચિંતા પ્રવર્તી રહી છે. ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના સત્તાવાર અહેવાલો અનુસાર, બુધવારે રાત્રે આ ઘટના બની હતી અને રેસ્ક્યુ ટીમે અત્યાર સુધીમાં 43 લોકોને સુરક્ષિત બચાવી લીધા છે.
ઘટનાસ્થળેથી કોસ્ટ ગાર્ડ દ્વારા જારી કરવામાં આવેલા વિડિયો ફૂટેજમાં વિશાળ જહાજના કેટલાક ભાગોમાં વિકરાળ આગ ભડકતી નજરે પડી રહી છે, જ્યારે બચાવકર્મીઓ મૃતદેહોને બેગમાં ભરીને કિનારે લાવતા દ્રશ્યો સામે આવ્યા છે. દરિયા કિનારેથી અંદાજે 2.2 કિલોમીટરના અંતરે આ દુર્ઘટના ઘટી હતી. જહાજ પર સવાર મુસાફરોના રેકોર્ડ અને મેન્યુઅલ બુક મુજબ આ ફેરીમાં આશરે 134 જેટલા મુસાફરો સવાર હોવાની આશંકા છે.
સત્તાવાર તંત્ર દ્વારા હજુ સુધી મુસાફરોની ચોક્કસ યાદી કે ગુમ થયેલા લોકોનો આખરી આંકડો જાહેર કરાયો નથી, પરંતુ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દરિયામાં સર્જાયેલી આ હોનારતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને મૃતકોના સ્વજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કોસ્ટ ગાર્ડની ટીમો ગુમ થયેલા મુસાફરોની શોધખોળ માટે હેલિકોપ્ટર અને પેટ્રોલિંગ બોટની મદદથી સતત ઓપરેશન ચલાવી રહી છે.