Loading Please Wait !!!
સુરત SBI લૂંટમાં મોટો ખુલાસો: એલાર્મ સિસ્ટમ સમજવામાં સ્ટાફ થાપ ખાઈ ગયો

  • ત્રણ વાર બટન દબાવવા છતાં એલાર્મ ન વાગતા લૂંટારાઓ 50 લાખ લઈને પલાયન
  • 200થી વધુ CCTV કેમેરા ફંફોસ્યા છતાં પોલીસને લૂંટારાઓનું લોકેશન મળતું નથી
  • નવા એલાર્મ માટે બટન દબાવી રાખવું પડે છે, જેની બેંક મેનેજર સહિતના સ્ટાફને જાણ નહોતી

સુરતના વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ પર આવેલી SBI બેંકમાં થયેલી 50 લાખની લૂંટના મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. લૂંટની ઘટના સમયે બેંકના સર્વિસ મેનેજર અને અન્ય એક કર્મચારીએ લૂંટારાઓની નજર ચૂકવીને ત્રણથી વધુ વખત બર્ગલર એલાર્મનું બટન દબાવ્યું હતું, છતાં એલાર્મ વાગ્યું નહોતું. તપાસમાં બહાર આવ્યું છે કે નવી ટેકનોલોજી મુજબના બર્ગલર એલાર્મને થોડી સેકન્ડ દબાવી રાખ્યા બાદ જ તે સક્રિય થાય છે, પરંતુ સ્ટાફ આ મહત્વની ટેકનિકલ જાણકારીથી અજાણ હોવાથી પોલીસને સમયસર જાણ થઈ શકી નહોતી.

આ લૂંટ 27 એપ્રિલ સોમવારના રોજ ભરબપોરે ઘટી હતી, જેમાં 6થી વધુ લૂંટારુઓ ત્રણ બાઈક પર પિસ્તોલ સાથે બેંકમાં ઘૂસ્યા હતા. આરોપીઓએ બેંક સ્ટાફ અને ગ્રાહકોને પિસ્તોલ બતાવી બંધક બનાવ્યા હતા અને કેશ કાઉન્ટર તેમજ CMS કર્મચારીઓ પાસેથી કુલ 50 લાખની રોકડ અને મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયા હતા. જો બેંક સ્ટાફને એલાર્મ વગાડવાની યોગ્ય પદ્ધતિની જાણ હોત, તો લૂંટારાઓને ઘટનાસ્થળે જ પકડી પાડવામાં સફળતા મળી હોત તેમ મનાય છે.

લૂંટારાઓને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની 8થી વધુ ટીમો છેલ્લા 68 કલાકથી રાત-દિવસ એક કરી રહી છે. પોલીસે સુરત શહેરના વિવિધ વિસ્તારો તેમજ કામરેજ, વેલંજા અને સાયણ સુધીના અંદાજે 200થી વધુ સીસીટીવી કેમેરા ફંફોસી વળી છે. આરોપીઓ સીસીટીવી ફૂટેજમાં હાઈ-સ્પીડ બાઈક હંકારતા અને પૈસા ભરેલા થેલા સાથે દેખાઈ રહ્યા છે, પરંતુ તેમનું ચોક્કસ લોકેશન હજુ સુધી ટ્રેસ થઈ શક્યું નથી.

પોલીસે તપાસનો વ્યાપ વધારતા લૂંટારાઓના હાઈ-ટેક ફોટો સ્કેનિંગ કરાવીને અન્ય રાજ્યોની પોલીસને પણ મોકલ્યા છે. બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોના બાતમીદારો સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે. આરોપીઓ એટલા શાતિર છે કે તેઓ સીસીટીવીની નજરથી બચી શકે તેવી જગ્યાઓથી ભાગી છૂટ્યા છે, જેના કારણે પોલીસને તેમનું પગેરું મેળવવામાં અત્યંત મુશ્કેલી પડી રહી છે.

આંતરિક તપાસના ભાગરૂપે, પોલીસે બેંકના પટાવાળાથી લઈને તમામ કર્મચારીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. કોઈ બેંકકર્મી કે અગાઉ કેશવેનમાં નોકરી કરી ચૂકેલા વ્યક્તિની આમાં સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. શંકાના દાયરામાં આવેલા વોચમેનની આર્થિક પરિસ્થિતિની વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે. હાલ તો સુરત પોલીસ માટે આ લૂંટારાઓને પકડવા એક મોટો પડકાર બની રહ્યો છે.