બાલાસિનોરમાં ફિલ્મી ઢબે એસટી બસની ચોરી: વર્કશોપમાંથી અજાણ્યો શખસ બસ લઈ ફરાર
- કઢૈયા ગામની સીમમાં બિનવારસી હાલતમાં બસ મળી; આરોપી ઝાડીઓનો લાભ લઈ ભાગી છૂટ્યો.
- સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા; આરોપી અને તેના ઈરાદા અંગે રહસ્ય અકબંધ.
- ડેપો મેનેજરે નોંધાવી સત્તાવાર ફરિયાદ; હાઈવે અને રસ્તાઓના સીસીટીવી પરથી મેળવાશે પગેરું.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર એસટી બસ ડેપોમાં સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ક્ષતિ સામે આવી છે. એક અજાણ્યો શખસ ડેપોના વર્કશોપ વિસ્તારમાં પ્રવેશ કરી, ત્યાં પડેલી એક એસટી બસ ચોરી કરી બિન્દાસ્ત રીતે ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ એસટી વહીવટી તંત્ર અને પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. આશરે 3 કલાકની ભારે જહેમત બાદ પોલીસે આ બસને કઢૈયા ગામની સીમમાં બિનવારસી હાલતમાં શોધી કાઢી છે.
મળતી વિગત અનુસાર, 28મી એપ્રિલની સાંજે એક અજાણ્યો શખસ ડેપોના પ્રતિબંધિત વર્કશોપ વિસ્તારમાં ઘૂસ્યો હતો. તે ત્યાંથી એસટી બસ ચાલુ કરી ડેપોની બહાર નીકળી ગયો હતો. જ્યારે ડેપોના કર્મચારીઓને બસ ગાયબ હોવાની જાણ થઈ ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની અલગ-અલગ ટીમોએ હાઈવે અને આસપાસના ગામોના રસ્તાઓ પર નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
3 કલાકના સઘન સર્ચ બાદ પોલીસને સફળતા મળી હતી. ચોરાયેલી બસ કઢૈયા ગામની સીમમાં ઝાડીઓ વચ્ચે છુપાવેલી હાલતમાં મળી આવી હતી, જોકે આરોપી પોલીસ પકડમાં આવે તે પહેલા ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. હાલમાં બાલાસિનોર ડેપો મેનેજર દ્વારા અજાણ્યા શખસ વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસ હવે ડેપોના એક્ઝિટ ગેટ અને રસ્તા પરના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે જેથી આરોપીની ઓળખ થઈ શકે. આ ઘટનાએ એસટી ડેપોની સુરક્ષા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો મૂક્યા છે. આ શખસનો ઈરાદો માત્ર બસ ચોરી કરવાનો હતો કે અન્ય કોઈ ગંભીર ગુનાને અંજામ આપવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ બનાવી છે.