Loading Please Wait !!!
ગુજરાતમાં પાર્કિન્સનનો વધતો કહેર: મેંદો, સ્ટ્રેસ અને પ્રિઝર્વેટિવ ફૂડ યુવાનોને બનાવી રહ્યા છે કંપવાતનો શિકાર

 

  • ડોપામાઈન કેમિકલ ઘટતા મગજના કોષોનો નાશ- 11 એપ્રિલે ‘વર્લ્ડ પાર્કિન્સન ડે’ નિમિત્તે ડોક્ટરોની લાલબત્તી

  • ડૉ. જેમ્સ પાર્કિન્સનની શોધ અને આધુનિક યુગનું જોખમ; જાણો કેવી રીતે પૌષ્ટિક આહાર અટકાવી શકે છે આ બીમારી

  •  ન્યુરોલોજીકલ ડિસઓર્ડરની 5 અવસ્થાઓ અને સ્ટેજ-1 થી સ્ટેજ-5 સુધીની ગંભીરતા; વાયુથી થતા આ રોગમાં તકેદારી જ દવા

    ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાર્કિન્સન એટલે કે કંપવાતના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી આ રોગ માત્ર મોટી ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળતો હતો, પરંતુ હવે બદલાતી જીવનશૈલીને કારણે યુવાનો તેમજ મહિલાઓમાં પણ આ રોગના કેસ વધ્યા છે. તબીબોના મતે ખોરાકમાં વધુ પડતો મેંદો, પ્રિઝર્વેટિવ યુક્ત ફૂડ અને સતત રહેતા માનસિક સ્ટ્રેસને કારણે નાની ઉંમરે પાર્કિન્સન થવાનું જોખમ અનેકગણું વધી ગયું છે.

    દર વર્ષે 11 એપ્રિલના રોજ ‘વર્લ્ડ પાર્કિન્સન ડે’ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત ડૉ. જેમ્સ પાર્કિન્સનની યાદમાં કરવામાં આવી છે, જેમણે 1817માં સૌપ્રથમ આ રોગના લક્ષણોની વિસ્તૃત માહિતી આપી હતી. પાર્કિન્સન એક ડિજનરેટિવ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આપણા મગજમાં શરીરના હલનચલન માટે ઉપયોગી એવું ‘ડોપામાઈન’ નામનું રસાયણ રિલીઝ કરતા કોષો જ્યારે અમુક કારણોસર નાશ પામે છે, ત્યારે વ્યક્તિના શરીરમાં ધ્રુજારી અને જકડન જેવા લક્ષણો દેખાવા લાગે છે.

    તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પાર્કિન્સનમાં રોગની તીવ્રતા અને તે આગળ વધવાની ગતિ દરેક દર્દીમાં અલગ-અલગ હોય છે. આ રોગના લક્ષણોની શરૂઆત મોટે ભાગે શરીરના કોઈ એક અંગ - જમણા કે ડાબા હાથ-પગથી થાય છે. કેટલાક દર્દીઓમાં થોડા વર્ષોમાં આ રોગ શરીરના બંને અંગોમાં પ્રસરે છે. તબીબી વિજ્ઞાનમાં આ રોગને તેની ગંભીરતા મુજબ પાંચ અલગ-અલગ તબક્કામાં (સ્ટેજ-1 થી સ્ટેજ-5) વહેંચવામાં આવે છે, જેમાં સ્ટેજ-5 અત્યંત ગંભીર અવસ્થા માનવામાં આવે છે.

    પાર્કિન્સન એ વાયુ તત્વની વિકૃતિથી થતો રોગ છે અને તેની દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ તેની કેટલીક સાઈડ ઈફેક્ટ્સ પણ હોય છે. આથી જ ડૉક્ટરો ભારપૂર્વક જણાવે છે કે જો ઉંમરના અમુક તબક્કે યોગ્ય ડાયેટ પ્લાન કરવામાં આવે અને પૌષ્ટિક ખોરાક લેવામાં આવે, તો આ રોગને થતો અટકાવી શકાય છે. શરૂઆતના તબક્કે નિદાન થાય તો દર્દીની જીવનશૈલીમાં સુધારો કરીને રોગની ગતિને ધીમી પાડી શકાય છે, જે દર્દીને લાંબા સમય સુધી કાર્યરત રાખવામાં મદદરૂપ થાય છે.

    પાર્કિન્સનના મુખ્ય લક્ષણોમાં આરામની સ્થિતિમાં પણ હાથ, પગ અથવા ચહેરા પર ધ્રુજારી આવવી, રોજિંદા કામો અત્યંત ધીમા પડી જવા અને શરીરમાં જકડન અનુભવવી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વ્યક્તિના અક્ષરો નાના થવા, ચહેરાના હાવભાવ ઓછા થઈ જવા, ઊંઘમાં ખલેલ પડવી અને અવાજ ધીમો થવો એ પણ કંપવાતના જ સંકેતો છે. જો વ્યક્તિને ચમચી પકડવામાં પણ તકલીફ પડવા લાગે અથવા ચાલવામાં પડી જવાનો ભય રહે, તો તુરંત જ ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો હિતાવહ છે.