સાવધાન! દરેક માટે ફાયદાકારક નથી લીંબુ પાણી: જો તમને આ 5 બીમારીઓ હોય તો આજે જ સેવન ટાળો
-
ઉનાળામાં અતિરેક ભારે પડી શકે- એસિડિટી અને કિડનીના દર્દીઓ માટે લીંબુ પાણી બની શકે છે નુકસાનકારક
-
દાંતના ઈનેમલ પર પણ થાય છે માઠી અસર- ડાયેટિશિયનના મતે વધુ પડતું સેવન સંવેદનશીલતા અને પોલાણ નોતરી શકે
-
નિષ્ણાતોનો મત: ઠંડુ લીંબુ પાણી શરદી-ઉધરસમાં વધારો કરી શકે- તમારા શરીરની સ્થિતિ જાણીને જ કરો સેવન
ઉનાળાની શરૂઆત થતા જ તાજગી મેળવવા માટે લોકો લીંબુ પાણીનો આશરો લેતા હોય છે. લીંબુમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે તે વાત સાચી, પરંતુ ડાયેટિશિયનના મતે લીંબુ પાણી દરેક વ્યક્તિ માટે અમૃત સમાન નથી હોતું. કેટલીક ચોક્કસ શારીરિક સ્થિતિમાં લીંબુ પાણીનું સેવન સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર, જે લોકોને વારંવાર એસિડિટી, ગેસ કે એસિડ રિફ્લક્સની સમસ્યા રહેતી હોય, તેમના માટે લીંબુ પાણી મુસીબત બની શકે છે. તેમાં રહેલું સાઇટ્રિક એસિડ પેટમાં એસિડનું પ્રમાણ વધારે છે, જેનાથી છાતીમાં બળતરા અને અપચો વધી શકે છે. તે જ રીતે, પેટના અલ્સર કે ઘાવ ધરાવતા દર્દીઓએ પણ તેનાથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે પેટના અસ્તરને નુકસાન પહોંચાડી બળતરા વધારી શકે છે.
માત્ર પેટ જ નહીં, પણ દાંત માટે પણ લીંબુ પાણીનો અતિરેક ઘાતક છે. તેનો એસિડિક સ્વભાવ દાંતના રક્ષણાત્મક પડ એટલે કે ઈનેમલને નબળું પાડે છે, જેને કારણે દાંતમાં સેન્સિટિવિટી કે કળતરની સમસ્યા ઉભી થાય છે. આ ઉપરાંત, માઈગ્રેનના દર્દીઓમાં લીંબુ પાણી માથાનો દુખાવો વધારી શકે છે. કિડનીના દર્દીઓએ પણ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ ખોરવાવાની ભીતિએ ડૉક્ટરની સલાહ મુજબ જ તેનું સેવન કરવું જોઈએ. કોઈપણ વસ્તુનો અતિરેક હાનિકારક હોય છે, તેથી લીંબુ પાણીનું સેવન મર્યાદિત માત્રામાં અને પોતાની સ્વાસ્થ્ય સ્થિતિને સમજીને જ કરવું હિતાવહ છે.