રાજકોટ મહાનગરપાલિકા `સપના' દેખાડવામાં નંબર-1 કામમાં ઝીરો
- વચનોના મહેલ, હકીકતમાં ખંડેર રાજકોટ મનપાની યોજનાઓ ઠપ્પ
- રિવરફ્રન્ટથી 24 કલાક પાણી સુધી બધુ કાગળ પર જ, શહેર રાહ જોતુ રહ્યું
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર નાણાંકિય વર્ષમાં કરોડોના વિકાસકામોની યોજનાઓ સાથેના અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં આમાંની મોટાભાગની યોજનાઓ માત્ર કાગળ પર જ રહી જાય છે. ભાજપના પૂર્વ શાસકોની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે અને હવે નવનિયુક્ત શાસકો સત્તા સંભાળવાના છે ત્યારે વર્ષોથી અભેરાઈ પર ચડેલી ફાઈલો પરથી ધૂળ ખંખેરીને જો કામ શરૂ કરવામાં આવે તો જ રાજકોટનો વિકાસ તેજ ગતિએ આગળ વધી શકે તેમ છે. મનપાની અનેક યોજનાઓ જેવી કે, રિવરફ્રન્ટ, ફૂટ ઓવરબ્રીજ અને 24 કલાક પાણી સહિતની યોજનાઓ કાગળ પર છે. ત્યારે નવનિયુક્ત પદાધિકારીઓ આ યોજનાઓને જમીન પર લાવશે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.
મિલકત વેરા અને પાણીવેરાની આવકમાંથી મનપાનાં કર્મચારીઓના પગારનો ખર્ચ પણ માંડ નીકળે તેવી પરિસ્થિતિ વચ્ચે હવે તંત્રને રૂ. 200 કરોડ વ્યાજે લેવા પડે તેવી ગંભીર નોબત આવી છે. વિકાસ અને સ્માર્ટ સિટીના ગુણગાન વચ્ચે પાણીની સમસ્યા પણ ઠેરની ઠેર જોવા મળી રહી છે. મહાપાલિકા શહેરના 18 વોર્ડની 20 લાખની વસતીને માંડ 20 મિનિટ પાણી પૂરા ફોર્સથી આપી શકે છે, જેના માટે પણ વર્ષમાં બે વાર નર્મદાના નીરની માંગણી કરવી પડે છે. આવી સ્થિતિમાં વેસ્ટઝોનના ચંદ્રેશનગર સહિતના વિસ્તારોમાં મીટર આધારિત 24 કલાક પાણી આપવાની યોજના જાહેર કરીને તંત્ર હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયું હતું.
આ યોજનાનો અમલ કરવો શક્ય ન હોવાથી તેને પણ અભેરાઈ પર ચડાવી દેવામાં આવી છે. આવી જ રીતે, આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પણ વર્ષોથી લટકેલો છે, જેના પર કોઈ નક્કર કામગીરી થતી જોવા મળતી નથી. જ્યારે ફૂટ ઓવરબ્રીજની બાબતમાં પણ તંત્ર માત્ર દર બે વર્ષે જાહેરાતો કરતું આવ્યું છે. બીનાબેન આચાર્ય જ્યારે મેયર હતા ત્યારે તેઓએ જ્યુબિલી બાગથી ગાંધી મ્યુઝિયમ સુધીના ફૂટ ઓવરબ્રીજની યોજના મૂકી હતી. તે પછીના બજેટમાં પણ વધુ ફૂટ ઓવરબ્રીજની જાહેરાતો કરાઈ હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે શહેરમાં હજુ સુધી એકપણ સ્થળે ફૂટ ઓવરબ્રીજ બન્યા નથી.
સોરઠિયાવાડી અને રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બ્રીજ બનાવવાની જાહેરાતો પણ ઈજનેરોની સલાહ લીધા વગર જ કરાઈ હોવાથી બાદમાં તે યોજનાઓ પડતી મૂકવી પડી હતી. જ્યારે પીડીએમ ફાટક પાસેના બ્રીજની યોજના તો દર બજેટમાં સ્થાન પામે છે, જેનો અંદાજિત ખર્ચ સતત વધી રહ્યો છે પણ બ્રીજનું નિર્માણ કાર્ય આગળ વધતું નથી. આરોગ્ય અને અન્ય સુવિધાઓની વાત કરીએ તો, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સહિત પદાધિકારીઓએ કેન્સરની સારવાર માટે મેમોગ્રાફી મશીનની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ માટે બે વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ એજન્સી મશીન આપવા તૈયાર થઈ નથી.
તેવી રીતે પૂર્વ કમિશનર આનંદ પટેલ દ્વારા સ્માર્ટ સિટી વિસ્તારમાં 'શહીદ પાર્ક' બનાવવાની યોજના પણ મ્યુનિસિપલ તંત્રની નિંભર નીતિને કારણે જાણે શહીદ થઈ ગઈ હોય તેમ જણાય છે. આ ઉપરાંત શહેરીજનોને ખરાબ રસ્તાઓમાંથી મુક્તિ આપવા માટે 'વ્હાઈટ ટોપિંગ રોડ' બનાવવાની યોજના માત્ર એક જ સ્થળે સીમિત રહી ગઈ છે. આ ઉપરાંત, મહાનગરપાલિકાના સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં પણ પંક્ચર પડી ગયું છે અને ગ્રીન લાયબ્રેરી જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ પણ વહીવટી ગુંચવણોમાં ફસાયેલા છે.