હડાદમાં જમીન ઝઘડો બન્યો ખૂની
- કાકાએ ભત્રીજાની ધોકાનાં ઘા ફટકારી કરી નાખી હત્યા
સિટી ન્યૂઝ@ગાંધીનગર : બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકામાં જમીનના અંગત વિવાદે એક લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તોરણીયા ગામના એક શખ્સે પોતાના જ સગા ભત્રીજા પર ધોકા અને બેટ વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ, હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નવાવાસ કાંઠ ગામે પરંપરાગત 'ગોરના મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો મેળાની મજા માણી રહ્યા હતા, ત્યારે જમીન બાબતે ચાલી રહેલા જૂના મનદુખને કારણે કાકા-ભત્રીજા સામસામે આવી ગયા હતા. તોરણીયા ગામના રહેવાસી આરોપી નોપાભાઈ ફુલાભાઈ તરાલે આવેશમાં આવી જઈ પોતાના ભત્રીજા કનાભાઈ (કરણભાઈ) તરાલ પર ક્રિકેટના બેટ વડે આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું.આરોપીએ ભત્રીજાને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
ગંભીર રીતે ઘાયલ કનાભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. એક ક્ષણિક આવેશ અને જમીનના ટુકડા માટે કાકાએ ભત્રીજાનો જીવ લેતા પરિવારમાં માતમ છવાયો છે.