દોઢ લાખ વાહન ચાલકો માટે રાહતના સમાચાર : સાંઢિયા પૂલ ખૂલ્લે છે!
- મેયરના નામની જાહેરાત બાદ ફોરલેન સાંઢિયા પૂલનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણની શક્યતા
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટના જામનગર હાઇવેને જોડતા અતિ મહત્વના એવા સાંઢિયા પુલના નવનિર્માણની કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી શહેરના પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનના ટ્રાફિક માટે માથાના દુખાવા સમાન બનેલી આ સમસ્યાનો હવે સુખદ અંત આવવા જઈ રહ્યો છે.
હાલ માત્ર પુલની એક સાઈડ એટલે કે જમણી બાજુના સિવિલ સાઈડ એપ્રોચ રોડમાં ડામરકામ અને ફાઇનલ ફિનિશિંગની કામગીરી બાકી છે. આ કામગીરી આગામી 20 દિવસમાં પૂર્ણ થવાની પૂરતી શક્યતા છે. 20મે આસપાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રાજકોટ મુલાકાત ગોઠવાઈ રહી હોવાથી, તેમના હસ્તે જ આ ફોરલેન બ્રિજ ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા છે. બ્રિજ શરૂ થતાં એક લાખ કરતા વધુ વાહનચાલકોને રાહત મળશે. મહાપાલિકા દ્વારા રૂ. 74.25 કરોડનાં ખર્ચે હાથ ધરવામાં આવેલા આ બ્રિજની લંબાઈ 600 મીટર એટલે કે અડધા કિમી કરતા પણ વધુ છે, જ્યારે તેની પહોળાઈ 16.40 મીટર રાખવામાં આવી છે. અગાઉ પુલ જર્જરિત અને સાંકડો હોવાથી તેને તોડીને તેના સ્થાને રૂ. 74.25 કરોડના ખર્ચે આ નવો ફોરલેન બ્રિજ બનાવવામાં આવ્યો છે.
હાલની સ્થિતિની વાત કરીએ તો, પુલની મુખ્ય સિવિલ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. અત્યારે માત્ર પુલની એક સાઈડ એટલે કે જમણી બાજુના સિવિલ સાઈડ એપ્રોચમાં ડામરકામ અને ફાઇનલ ફિનિશિંગની કામગીરી બાકી છે. ઉપરાંત ભોમેશ્વર તરફના સર્વિસ રોડની કામગીરી પણ આટોપી લેવામાં આવી છે. ત્યારે આગામી 20 દિવસમાં ડામર અને પેઇન્ટિંગ જેવી તમામ નાની-મોટી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવનાર છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સાંઢિયા પુલના નિર્માણમાં ધાર્યા કરતા થોડો વધુ સમય લાગ્યો હોવા પાછળ અનેક ટેકનિકલ અને કુદરતી કારણો પણ જવાબદાર રહ્યા છે. આ પુલનો મોટો હિસ્સો રેલવે લાઈન પરથી પસાર થતો હોવાથી ગર્ડર મૂકવા જેવી જટિલ કામગીરી માટે રેલવે તંત્રની મંજૂરી મેળવવી અનિવાર્ય હતી. આ મંજૂરીની પ્રક્રિયામાં ખાસ્સો સમય વીતી ગયો હતો.
તે ઉપરાંત, ગત ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે પણ બાંધકામની ગતિ ધીમી પડી હતી. તહેવારોના સમયે કોન્ટ્રાક્ટર પાસે મજૂરોની અછત સર્જાતા કામમાં અડચણો આવી હતી. જોકે, હવે આ તમામ અવરોધો પાર કરીને પુલ તેના લોકાર્પણ માટે સજ્જ થઈ રહ્યો છે. બ્રિજ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકતા પહેલા તેના પર ભારે વાહનો ચલાવીને જરૂરી ટેસ્ટિંગ પણ કરવામાં આવશે.
આ બ્રિજ શરૂ થવાથી રાજકોટના વોર્ડ નં. 1, 2 અને 3ના રહેવાસીઓ સહિત અંદાજે 1,00,000થી વધુ વાહનચાલકોને મોટી રાહત મળશે. ખાસ કરી નાગેશ્વર, ઘંટેશ્વર, એઇમ્સ હોસ્પિટલ તરફ જતા લોકો, શીતલ પાર્ક, માધાપર, રેલનગર અને પોપટપરા વિસ્તારના રહીશોને હવે ટ્રાફિક જામનો સામનો નહીં કરવો પડે.
અત્યાર સુધી પુલ બંધ હોવાને કારણે એસ.ટી. બસો અને અન્ય ભારે વાહનોને શહેરના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, રૈયા રોડ અને રૈયા ચોકડી થઈને 150 ફૂટ રિંગ રોડ પર ડાયવર્ટ કરવામાં આવતા હતા. આના કારણે શહેરના આંતરિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ અસહ્ય વધી ગયું હતું.