ગોંડલમાં 2027 પહેલા જ જંગ શરૂ; ત્રણ દાવેદાર એક ગાદી
- ગોંડલમાં રાજકીય યુધ્ધના ઢોલ વાગ્યા સોશિયલ મીડિયામાં તોફાન
- હજુ ચૂંટણી દૂર પણ ગોંડલમાં સત્તા માટે લોહિયાળ લડાઈના એંધાણ
- ગોંડલમાં ચૂંટણી પતી ગયા પછી પણ ક્યારેય શાંતિ જોવા મળતી નથી: અહીંની રાજનીતિમાં વર્ચસ્વની લડાઈ કાયમી છે
સિટી ન્યૂઝ@રાજકોટ : કહેવાય છે કે ગોંડલની ગાદી પર બેસવું એ કોઈ ખાવાના ખેલ નથી, પણ અત્યારે જે દ્રશ્યો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે તે જોતા લાગે છે કે 2027નો જંગ અત્યારથી જ જામી ગયો છે. હજુ તો ચૂંટણીને વાર છે, પણ ગોંડલના રાજકીય આકાશમાં અત્યારથી જ વીજળીઓ કડાકા લઈ રહી છે. "હજુ તો આ તોફાનની શરૂઆત છે સાહેબ, અસલી ખેલ તો હજુ બાકી છે," "મેદાનમાં ઉતર્યા છે મહારથીઓ અનેક, હવે જોવાનું એ છે કે કોણ કોના પર ભારે છે!"
ગોંડલના રાજકારણમાં અત્યારે ત્રિપાંખિયો જંગ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. એકતરફ અનુભવી નેતા જયરાજસિંહ જાડેજા છે, તો બીજી તરફ યુવા લોહી ગણેશ જાડેજા અને ત્રીજી તરફ નિખિલ દોંગાના સમર્થકોએ મોરચો સંભાળ્યો છે.જયરાજસિંહ જાડેજાના સમર્થકોએ સોશિયલ મીડિયા પર જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. "કહો દિલ સે, 2027માં જયરાજસિંહ ફિર સે" ના નારા સાથે પોસ્ટરો વહેતા થયા છે. વર્ષોથી ગોંડલ પર વર્ચસ્વ ધરાવતા આ જૂથનો દાવો છે કે વિકાસ અને શાસન માટે જયરાજસિંહનો કોઈ પર્યાય નથી. બીજી તરફ, યુવા નેતા ગણેશ જાડેજાના સમર્થકો પણ પાછળ નથી. "અઢારે વરણને સાથે લઈને ચાલનારો ગોંડલનો સાવજ" અને "વિકાસનો વિશ્વાસ, જનતાનો માણસ ગણેશ ગોંડલ" જેવા સ્લોગન સાથેના પોસ્ટરોએ સોશિયલ મીડિયા ગજવ્યું છે. યુવા પેઢીમાં તેમનું આકર્ષણ વધારવાનો આ પ્રયાસ સ્પષ્ટ દેખાય છે.
જયરાજસિંહના તાજેતરના નિવેદનો અને સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી બાદ અચાનક જ નિખિલ દોંગાના નામ વાળા પોસ્ટરો વાયરલ થયા છે. "ગોંડલમાં એક જ ચાલે, નિખિલ દોંગા જ ચાલે" અને "યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ" ના સમર્થનમાં થતી પોસ્ટ્સે રાજકીય પંડિતોને પણ વિચારતા કરી દીધા છે. જયરાજસિંહ જાડેજાના તાજેતરના નિવેદન અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની પ્રતિક્રિયા રૂપે નિખિલ દોંગાના સમર્થકોએ ડિજિટલ પ્લેટફોર્મ પર આક્રમક અભિયાન છેડ્યું છે. વાયરલ થયેલા પોસ્ટરોમાં ગર્જના કરવામાં આવી છે કે "ગોંડલમાં એક જ ચાલે, નિખિલ દોંગા જ ચાલે" "ગોંડલને જરૂર છે નિખિલ દોંગાની, ગોંડલને જરૂર છે 'યુદ્ધ એ જ કલ્યાણ' ગ્રુપની" આ પોસ્ટરોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે 2027ની રણભૂમિમાં
મોટા ધમાસાનના એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે.