CM નિવાસે ભાજપનો પાવર ગેમ મનપાથી તાલુકા સુધી પદો માટે મથામણ!
- પાવર પોલિટિક્સ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની 3 દિવસીય બેઠક
- 15 મહાપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયતો માટે પદાધિકારીઓની પસંદગી પર મેરેથોન મિટિંગમાં નિર્ણય લેવાશે
સિટી ન્યૂઝ@ગાંધીનગર : આજે 6 મેથી 8 મે સુધી મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ ત્રણ દિવસીય બેઠક યોજાવાની છે. સવારે 10:30 વાગ્યાથી શરૂ થનારી આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા મજબૂત બનાવવા માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
માહિતી મુજબ, આ બેઠકમાં ગુજરાતની કુલ 393 સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે પદાધિકારીઓની પસંદગી અંગે ચર્ચા થશે. જેમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગત્યના હોદ્દાઓ માટે નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્ટી દ્વારા આ વખતે સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી અનુભવી નેતાઓ સાથે યુવા અને નવી પેઢીને પણ મહત્વ આપવામાં આવશે. સામાજિક અને પ્રાદેશિક સંતુલન જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે જ કાર્યકર્તાઓમાં સંતુલન અને સમાધાન જળવાઈ રહે તે માટે પણ ટોચના નેતાઓ દ્વારા ચર્ચા કરવામાં આવશે.
બેઠક દરમિયાન દરેક જિલ્લા અને શહેર માટે અલગ-અલગ નામોની યાદી પર વિસ્તૃત ચર્ચા થશે અને ત્યારબાદ અંતિમ પસંદગી પર મંજૂરી આપવામાં આવશે. મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપના અગ્રણીઓ તેમજ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહી આ પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપશે. આ બેઠકના નિર્ણયો આગામી સમયમાં સ્થાનિક રાજકારણની દિશા નક્કી કરશે અને ભાજપના સંગઠન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ કરીને મેયર અને પંચાયત પ્રમુખોની પસંદગી પર સૌની નજર
ટકેલી છે, કારણ કે તે આગામી રાજકીય સમીકરણો પર સીધી અસર પાડશે.
- એક-બે લોકોના કારણે આખા વિભાગની છબી ખરાબ ન થાય
- હું ચલાવું છુંનો અહંકાર છોડો CM ભૂપેન્દ્ર પટેલની ટકોર
- અડાલજની ચિંતન શિબિરમાં ટીમવર્ક અને જવાબદારી પર ભાર
અડાલજના ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો. Collaborate, Innovate and Transform for Better Land Governance થીમ સાથે યોજાયેલી આ શિબિરમાં રાજ્યભરના જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓ એકત્ર થયા છે. કાર્યક્રમના આરંભે મુખ્યમંત્રીએ તીખી ટિપ્પણી કરતાં કહ્યું કે, ચિંતન શિબિર છે તો બધા ચિંતિત કેમ?. એટલું જ નહીં 'હું ચલાવું છું' એવો અભિમાન છોડીને ટીમવર્કથી કાર્ય કરવાની અધિકારીઓને ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ કલેક્ટરોની ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું કે તેઓ પાસે વિશાળ સત્તાઓ છે અને તે સત્તાનો ઉપયોગ પ્રજાલક્ષી કામોમાં થવો જોઈએ. 'દર 15 દિવસે પોતાના કામનું ચિંતન કરો, એક-બે લોકોના કારણે આખા વિભાગની છબી ખરાબ ન થાય' એવી ચેતવણી આપતાં તેમણે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સ્પષ્ટ સૂચના આપી. તેમણે જણાવ્યું કે સ્વાગત ઓનલાઈન જેવા કાર્યક્રમોમાં નાગરિકોના પ્રશ્નો સીધા તેમની પાસે પહોંચે છે, તેથી અધિકારીઓએ અગાઉથી જ સમસ્યાઓનું નિવારણ કરી દેવું જોઈએ જેથી લોકો સંતોષ અનુભવે. મુખ્યમંત્રીએ અધિકારીઓને સંવેદનશીલ વહીવટ માટે પ્રેરિત કરતાં કહ્યું કે, ઓફિસમાં આવનાર કોઈપણ વ્યક્તિને ખચકાટ ન થાય, હસતા મોઢે કામ કરશો તો અરજદાર ખુશ થશે. સાથે જ તેમણે હું ચલાવું છું એવો અભિમાન છોડીને ટીમવર્કથી કાર્ય કરવાની સલાહ આપી અને ઉમેર્યું કે સિસ્ટમ સૌના સહકારથી ચાલે છે. IAS અધિકારીઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મોટી મહેનત બાદ આ પદ પ્રાપ્ત થાય છે, તેથી જવાબદારીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે. વ્યક્તિગત કે વહીવટી મુશ્કેલી હોય તો સીધા તેમને જાણ કરવા પણ મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્રને યાદ કરતાં કહ્યું કે વિકસિત ભારત 2047ના લક્ષ્યને વિકસિત ગુજરાતથી સાકાર કરવા મહેસૂલ વિભાગની ભૂમિકા મહત્વપૂર્ણ છે.