ભાજપનો ગેમપ્લાન;`ક્લીન ઈમેજ' વાળાઓને મળશે `પદ'ની તક ?
- ભાજપની નો-રિપિટ થિયરીથી રાજકીય ભૂકંપ !
- મહાપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતના હોદ્દાઓમાં જૂના OUT નવા INની ફોર્મ્યૂલા?
- જે નેતાઓએ ગત પાંચ વર્ષમાં `હોદ્દા' ભોગવ્યા તેઓને ફરીથી હોદ્દા નહીં આપવામાં આવે ?
- બે પેનલો તૈયાર કરવાની રહેશે : જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા અને બિલ્ડર લોબી થકી લોબિંગ કરતા નેતાઓને પદોથી દૂર રાખવાની શક્યતા : સૂત્રો
સિટી ન્યૂઝ@ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં રાજકીય હલચલ તેજ છે. ભાજપ દ્વારા ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હોવાનું જાણવા મળે છે. આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ મહાનગર પાલિકાઓમાં પદાધિકારીઓની પસંદગી થવાની હોવાથી રાજકીય ગતિવિધિઓમાં ગરમાવો આવ્યો છે.
માહિતી મુજબ, આ વખતે પાર્ટી દ્વારા નો-રિપિટ થિયરી અપનાવવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. એટલે કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જેમણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અથવા અન્ય મહત્વના હોદ્દા સંભાળ્યા હતા, તેમને ફરીથી એ જ પ્રકારના હોદ્દા આપવામાં નહીં આવે તેવી ભલામણ તૈયાર કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.
આ ઉપરાંત, જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા અને બિલ્ડર લોબી દ્વારા લોબિંગ કરતા કેટલાક નેતાઓને પણ આ વખતે પદોથી દૂર રાખવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પાર્ટી અંદર ક્લીન ઈમેજ અને વિવાદમુક્ત ચહેરાઓને પ્રાથમિકતા આપવાની લાઇન દોરાઈ રહી હોવાનું ચર્ચામાં છે. આ નિર્ણયોના સંકેતો સામે આવતા જ રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટમાં ખાસ કરીને હાલના પદાધિકારીઓમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે, જ્યારે નવા ચહેરાઓ માટે તક ઊભી થવાની શક્યતા વધી રહી છે.
રાજકીય નિરીક્ષકોના મતે, આ વખતે પાર્ટી સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા પરંતુ પદથી વંચિત કાર્યકર્તાઓ, યુવા નેતાઓ અને સામાજિક રીતે સ્વીકાર્ય ચહેરાઓને આગળ લાવી શકે છે. હાલમાં અંતિમ નિર્ણય બાકી છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ વખતે ગુજરાતની સ્થાનિક રાજનીતિમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.