ગોવા જતી ફ્લાઈટમાં 3-3 ગર્લફ્રેન્ડો ભેગી થતા હવામાં જ પ્રેમનો ડ્રામા !
સિટી ન્યૂઝ@મુંબઇ : સોશિયલ મીડિયા પર દરરોજ અનેક અવનવા અને ચોંકાવનારા વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં ઇન્ટરનેટ પર પ્લેનની અંદર બનેલી એક ઘટનાનો વિડીયો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ગોવા જવાની તૈયારી કરી રહેલા એક યુવકનો ભાંડો ફ્લાઈટમાં જ ફૂટી ગયો હતો, જેને કારણે પ્લેનમાં ભારે હોબાળો મચી ગયો હતો.
સામે આવેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે, ફ્લાઈટની અંદર એક યુવક અને એક યુવતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. મામલો એટલો ગરમાઈ જાય છે કે ફ્લાઈટ એટેન્ડન્ટ (એર હોસ્ટેસ) વારંવાર બંનેને શાંત પાડવા વચ્ચે પડે છે અને હાથ જોડીને વિનંતી કરે છે કે તેઓ શાંતિ જાળવે. એર હોસ્ટેસ તેમને સમજાવે છે કે આ તેમની અંગત બાબત છે, તેને જાહેરમાં ન લાવો. છતાં યુવક ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યો છે અને બૂમાબૂમ કરી રહ્યો છે.
આ યુવક ગોવા જઈ રહ્યો હતો અને ત્યાં જ તેની પોલ ખુલી ગઈ. ચોંકાવનારી વાત એ છે કે આ યુવક એક નહીં પણ ત્રણ-ત્રણ ગર્લફ્રેન્ડ ધરાવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યુવતી ફ્લાઈટમાં જ તેને રંગેહાથ પકડી પાડે છે અને તેનો ખુલાસો માંગે છે, જેના જવાબમાં યુવક બચાવ કરવાને બદલે સામો ગુસ્સો કરે છે. આ હાઈવોલ્ટેજ ડ્રામાની હદ તો ત્યારે પાર થાય છે જ્યારે યુવક એર હોસ્ટેસને કહે છે કે તે આ યુવતીને ઓળખતો જ નથી. તે કહે છે, આ કોઈ પેસેન્જર મારી સાથે ગેરવર્તન કરી રહી છે, આને અહીથી ભગાડો. એટલું જ નહીં, તે ગુસ્સામાં યુવતી માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા તેને કાળા કલરનું ખરબૂચું કહીને અપમાનિત કરે છે અને બ્રેકઅપ કરવાની વાત કરે છે.