Loading Please Wait !!!
રૈયા રોડે માથાભારે શખ્સનો પાર્કિંગ પર ગેરકાયદે કબજો

અધિકારીઓ મારે ત્યાં ચા-નાસ્તો કરવા આવે છે, મારું કોઈ શું બગાડી લેશે ?

  • હોટલ અને પાનની દુકાન ધરાવતા શખ્સે પાર્કિંગમાં કાયમી લોખંડની ગ્રીલ ફિટ કરી દીધી, અન્ય દુકાનદારોના શટર સામે સામાન ખડક્યો

  • અધિકારીઓ સાથે મારે સીધા સંબંધો છે તેવી ધમકીઓ અપાતા ટી.પી.ઓ. શાખામાં લેખિત ફરિયાદ, તાત્કાલિક દબાણ દૂર કરવા માંગ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા રૈયા રોડ પર આવેલા 'સદગુરુ કોમ્પ્લેક્સ'માં ગેરકાયદેસર દબાણ અને દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર કબજો જમાવી દેવાતા સ્થાનિક દુકાનદારો અને ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનિંગ (ટી.પી.ઓ.) શાખામાં એક દુકાનદાર દ્વારા તાત્કાલિક પગલાં લેવા અને પાર્કિંગ ખુલ્લું કરાવવા લેખિત ફરિયાદ

નોંધાવવામાં આવી છે. સદગુરુ કોમ્પ્લેક્સમાં દુકાન નંબર ૩૦ અને ૧૪ ધરાવતા અજયભાઈ રણછોડભાઈ સાંગાડીયાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેમની દુકાનની બાજુમાં આવેલી 'આઈશ્રી ખોડિયાર હોટલ' અને 'દ્વારકેશ પાન'ના માલિક નવઘણભાઈ ભરવાડે સમગ્ર કોમ્પ્લેક્સના પાર્કિંગ પર ગેરકાયદેસર રીતે કાચું-પાકું બાંધકામ કરી લીધું છે. ગત તારીખ ૨૪ જૂન, ૨૦૨૬ના રોજ આ માથાભારે શખ્સે પાર્કિંગમાં કાયમી ધોરણે લોખંડની ગ્રીલનું વેલ્ડિંગ કરી દીધું છે. એટલું જ નહીં, અજયભાઈની અંદરની તરફ આવેલી દુકાન નંબર

૧૪ના શટર સામે પણ સામાન ખડકી દઈને તેમનો પોતાની જ માલિકીની દુકાનમાં પ્રવેશ બંધ કરી દીધો છે. આ સમગ્ર વિવાદમાં સૌથી ગંભીર બાબત એ છે કે, જ્યારે ભોગ બનનાર દુકાનદાર દ્વારા દબાણકર્તાને રૂબરૂ રજૂઆત કરવામાં આવી, ત્યારે તેમને ખુલ્લી ધમકીઓ આપવામાં આવી હતી. દબાણકર્તા નવઘણભાઈ બેફામ બનીને કહે છે કે, "તમામ સરકારી શાખાના માણસો અને સાહેબો સાથે મારે સંબંધો છે. તમામ અધિકારીઓ અમારે ત્યાં ચા-નાસ્તા માટે આવે છે, તમે મારું કંઈ બગાડી શકશો નહીં." આવી ધાક-ધમકીઓને કારણે અન્ય દુકાનદારો પણ

ભયના ઓધાર હેઠળ છે અને કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. સરકારી બાબુઓની કથિત રહેમનજર હેઠળ ચાલતા આ દબાણના ખેલને કારણે કોમ્પ્લેક્સમાં આવતા લોકોને વાહન પાર્ક કરવા માટે કોઈ જગ્યા બચી નથી. ભોગ બનનાર દુકાનદારે ટી.પી.ઓ. અધિકારીને તાત્કાલિક અસરથી આ અનઅધિકૃત દબાણ દૂર કરી સમગ્ર પાર્કિંગ ખુલ્લું કરાવવા અપીલ કરી છે. હવે જોવું એ રહ્યું કે, મનપાના અધિકારીઓ ખરેખર પોતાના 'ચા-નાસ્તા'ના સંબંધો નિભાવે છે કે પછી કાયદાકીય રાહે કડક કાર્યવાહી કરી સામાન્ય નાગરિકને ન્યાય અપાવે છે!