Loading Please Wait !!!
પ્રભાસનો 'કલ્કિ 2' માટે હૈદરાબાદમાં ધમાકેદાર પ્રારંભ: દીપિકા પદુકોણની ફિલ્મમાંથી હકાલપટ્ટી

  • ફૌજી' ના શૂટિંગમાંથી ફ્રી થઈને ડાર્લિંગ પ્રભાસ હવે મેદાનમાં, સાઈ પલ્લવીની એન્ટ્રીની પ્રબળ શક્યતા
  • હૈદરાબાદની બહાર ઉભો કરાયો ભવ્ય સેટ, અમિતાભ બચ્ચન અને કમલ હાસને પૂર્ણ કર્યું શૂટિંગ
  • ફ્યુચરિસ્ટિક સેટ્સ પર શૂટિંગનો બીજો તબક્કો શરૂ, સત્તાવાર જાહેરાતની જોવાતી આતુરતાથી રાહ

     

     સિટી ન્યૂઝ @ મુંબઈ  : ભારતીય સિનેમાની સૌથી મોટી સાયન્સ ફિક્શન ફિલ્મ 'કલ્કિ 2898 AD' ના બીજા ભાગ એટલે કે 'કલ્કિ 2' ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસ આ મહિનાથી ફિલ્મનું શૂટિંગ આગળ ધપાવવા માટે સજ્જ થઈ ગયો છે. આ માટે હૈદરાબાદ શહેરની બહાર એક અત્યંત વિશાળ અને ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રભાસ પોતાની આગામી ફિલ્મ 'ફૌજી' ના શૂટિંગ શિડ્યુલમાંથી ફ્રી થયા બાદ હવે આખો મહિનો 'કલ્કિ 2' માટે ફાળવ્યો છે.

    ફિલ્મના નિર્માણ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવા દિગ્ગજ કલાકારોએ ફિલ્મના તેમના હિસ્સાના મહત્વપૂર્ણ દ્રશ્યોનું શૂટિંગ અગાઉ જ પૂર્ણ કરી લીધું છે. હવે મુખ્ય વાર્તાને આગળ વધારવા માટે પ્રભાસ મેદાનમાં ઉતરશે. જોકે, આ દરમિયાન સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે ફિલ્મના પહેલા ભાગમાં મુખ્ય ભૂમિકા ભજવનાર દીપિકા પદુકોણની બીજા ભાગમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.

    દીપિકાની એક્ઝિટ બાદ હવે ફીમેલ લીડ તરીકે કોની એન્ટ્રી થશે તેને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મ ઉદ્યોગમાં એવી જોરદાર ચર્ચા છે કે અભિનેત્રી સાઈ પલ્લવી આ રોલ માટેની હોડમાં સૌથી મોખરે છે. સાઈ પલ્લવીની નેચરલ એક્ટિંગ અને સાઉથમાં તેની લોકપ્રિયતાને જોતા મેકર્સ તેને કાસ્ટ કરવા માટે ઉત્સુક હોવાનું મનાય છે.

    'કલ્કિ' ના પહેલા ભાગે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, જેના કારણે બીજા ભાગને લઈને પ્રેક્ષકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. દિગ્દર્શક નાગ અશ્વિન આ વખતે ફિલ્મને વધુ ભવ્ય અને ટેકનિકલ રીતે અત્યાધુનિક બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. પ્રભાસ આ મહિનામાં અનેક હાઈ-ઓક્ટેન એક્શન સીન્સનું શૂટિંગ કરે તેવી શક્યતા છે.

    ફિલ્મની સ્ટારકાસ્ટમાં થયેલા આ ફેરફાર અને પ્રભાસના ફરી શૂટિંગમાં જોડાવાથી ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે એ જોવાનું રહેશે કે સાઈ પલ્લવીના નામની સત્તાવાર જાહેરાત ક્યારે કરવામાં આવે છે અને દીપિકાના સ્થાને તે કેવું પરફોર્મન્સ આપે છે. હૈદરાબાદમાં ઉભા કરાયેલા સેટ પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શૂટિંગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.