Loading Please Wait !!!
જાહ્નવી કપૂરના લગ્નની અટકળો પર બોની કપૂરે તોડ્યું મૌન: 'હજુ કોઈ તારીખ નક્કી નથી'

  • શિખર પહાડિયા સાથે સપ્ટેમ્બરમાં લગ્ન કરવાની ચર્ચાઓને પિતાએ પાયાવિહોણી ગણાવી
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તારીખોને નકારી, કેરિયર અને પર્સનલ લાઈફ વચ્ચે અટકળો તેજ
  • બોલિવુડમાં શરણાઈઓ વાગવામાં હજુ વાર! જાહ્નવી કપૂરના લગ્ન અંગે પિતાએ કર્યો ખુલાસો

 સિટી ન્યૂઝ @ મુંબઈ | બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને તેના લોન્ગ ટાઈમ રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાના લગ્નને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને બી-ટાઉનમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એવી પ્રબળ ચર્ચા હતી કે આ કપલ આગામી સપ્ટેમ્બર કે ઓક્ટોબર માસમાં લગ્નગ્રંથિથી જોડાઈ જશે. જોકે, હવે આ તમામ અટકળો પર જાહ્નવીના પિતા અને જાણીતા ફિલ્મ નિર્માતા બોની કપૂરે મૌન તોડ્યું છે અને લગ્નની તારીખો અંગે સ્પષ્ટતા કરી છે.

બોની કપૂરે તાજેતરમાં આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે જાહ્નવીના લગ્નની કોઈ પણ તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. તેમણે લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતોને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધી છે. નોંધનીય છે કે, જાહ્નવી અને શિખર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને અનેકવાર જાહેર પ્રસંગોમાં સાથે જોવા મળ્યા છે, જેના કારણે ચાહકોમાં તેમના લગ્નને લઈને ભારે ઉત્તેજના હતી.

આ કપલ અવારનવાર ફેમિલી ટ્રીપ પર, સામાજિક મેળાવડાઓમાં કે પછી તિરુપતિ બાલાજીના દર્શન કરતા જોવા મળે છે. પહાડિયા પરિવાર અને કપૂર પરિવાર વચ્ચેના ગાઢ સંબંધોને જોતા એવું મનાતું હતું કે હવે બંને પરિવારો લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. જોકે, પિતા બોની કપૂરના આ ખુલાસા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ચાહકોએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે.

રાજકીય અને ફિલ્મી વર્તુળોમાં એવી પણ ચર્ચા હતી કે જાહ્નવીની કેરિયર હાલ બોલિવુડ કે સાઉથમાં ધાર્યા મુજબ વેગ પકડી રહી નથી. આ સંજોગોમાં જાહ્નવી આ વર્ષે જ સેટલ થઈ જવાનું વિચારી રહી છે તેવી વાતોએ જોર પકડ્યું હતું. ખાસ કરીને સપ્ટેમ્બરમાં લગ્ન થવાના સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા, જેને હવે પિતાએ સત્તાવાર રીતે નકારી દીધા છે.

હાલમાં જાહ્નવી કપૂર પોતાના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. બોની કપૂરના આ નિવેદન બાદ હવે લગ્નની અટકળો પર હાલ પૂરતું પૂર્ણવિરામ મુકાયું છે. જોકે, બોલિવુડમાં અવારનવાર આવી અફવાઓ સાચી સાબિત થતી હોય છે, ત્યારે જોવાનું એ રહેશે કે જાહ્નવી અને શિખર પોતે આ બાબતે ક્યારે સત્તાવાર જાહેરાત કરે છે.