Loading Please Wait !!!
પશ્ચિમ બંગાળમાં ભાજપનો વિજય આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજ્યો: 'મોદીએ સૌથી મુશ્કેલ ગઢ જીત્યો'

  • રોયટર્સ અને BBC જેવા દિગ્ગજ મીડિયા હાઉસ દ્વારા બંગાળના પરિણામોનું ઊંડું વિશ્લેષણ
  • મોદીના 12 વર્ષના શાસનની આ સૌથી મહત્વની સફળતા, વિશ્વભરના અખબારોમાં છવાયા સમાચાર
  • જર્મનીના DW અને તુર્કીના TRT વર્લ્ડ દ્વારા ભારતના બદલાતા રાજકીય નકશા પર વિશેષ અહેવાલ

નવી દિલ્હી | સિટી ન્યૂઝ :  પશ્ચિમ બંગાળના વિધાનસભા ચૂંટણી પરિણામોની ગુંજ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસે ભાજપના આ ઐતિહાસિક વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય જીવનની સૌથી મહત્વપૂર્ણ સફળતાઓમાંની એક ગણાવી છે. બ્રિટન, જર્મની, તુર્કી અને ગલ્ફ દેશોના અખબારોએ આ જીતને ભારતના ભવિષ્યના રાજકારણ માટે નિર્ણાયક વળાંક ગણાવ્યો છે.

બ્રિટિશ મીડિયાનું વિશ્લેષણ બ્રિટનની પ્રખ્યાત સમાચાર એજન્સી રોયટર્સે લખ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત અનેક રીતે માઈલસ્ટોન સમાન છે. આ જીત બાદ હવે કેન્દ્ર સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) જેવી મહત્વકાંક્ષી નીતિઓને વધુ ઝડપથી અમલમાં મૂકી શકશે. BBC (બીબીસી) એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીના રાજકીય પ્રભુત્વ સામે અત્યાર સુધી બંગાળ એક અપવાદરૂપ કિલ્લો હતો, પરંતુ હવે તે ધરાશાયી થયો છે. આ જીત મોદીના હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાને વધુ મજબૂત બનાવશે.

યુરોપ અને એશિયાઈ મીડિયાના તેવર જર્મનીના બ્રોડકાસ્ટર DW (ડીડબ્લ્યુ) એ નોંધ્યું છે કે પ્રથમ વખત બંગાળમાં સરકાર બનાવ્યા બાદ હવે મોદીની નજર અન્ય વિપક્ષી રાજ્યોમાં ભાજપની પકડ મજબૂત કરવા પર છે. જ્યારે તુર્કીના TRT વર્લ્ડ એ મતદાર યાદીમાંથી નામો હટાવવાના વિવાદ વચ્ચે આ પરિણામોની સમીક્ષા કરી છે. યુએઈ સ્થિત ગલ્ફ ન્યૂઝે લખ્યું કે દાયકાઓથી બંગાળમાં સ્થાન જમાવવાના ભાજપના પ્રયાસો આખરે સફળ થયા છે, જે તૃણમૂલ કોંગ્રેસ માટે મોટો આંચકો છે.

પડોશી દેશોની પ્રતિક્રિયા બાંગ્લાદેશના પ્રમુખ અખબાર પ્રથમ આલો એ આ પરિણામો પર ચિંતા વ્યક્ત કરતા દાવો કર્યો છે કે આ ફેરફારથી માત્ર રાજ્ય જ નહીં પરંતુ ભારતીય ગણતંત્રના ભવિષ્યના સમીકરણો પણ બદલાઈ શકે છે. વિદેશી મીડિયાના આ તારણો સ્પષ્ટ કરે છે કે બંગાળનો વિજય 2029 ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ માટે એક મોટી મનોવૈજ્ઞાનિક જીત સાબિત થઈ છે. આંતરરાષ્ટ્રીય જગત હવે ભારતની આંતરિક રાજનીતિમાં આવનારા મોટા નીતિગત ફેરફારોની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.