Loading Please Wait !!!
વડોદરામાં ચૂંટણી પહેલા જ પોસ્ટર વોર: પક્ષપલટુ ઉમેદવાર સામે જનતાનો ફિટકાર

  • ભાજપ છોડી કોંગ્રેસમાં જનાર આશિષ જોષીની પેનલ સામે વડોદરામાં વિરોધનો વંટોળ
  • રણછોડપાર્ક સોસાયટીમાં લાગ્યા બેનર - 'વિચારધારા બદલનાર પર વિશ્વાસ ન કરાય'
  • ચૂંટણી પ્રચારના શ્રીગણેશમાં જ પોસ્ટર યુદ્ધ; સોસાયટીના રહીશોએ નેતાઓને બતાવ્યો આયનો

વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં વોર્ડ નંબર 15 અત્યારે આખા શહેરનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વોર્ડમાં માત્ર રાજકીય પક્ષો વચ્ચે જ નહીં, પરંતુ બદલાયેલી વિચારધારા અને સત્તા માટે પક્ષપલટો કરનારા નેતાઓ સામે જનતાએ મોરચો માંડ્યો છે. ચૂંટણી પ્રચાર વેગીલો બને તે પહેલા જ વોર્ડ 15ની અનેક સોસાયટીઓમાં 'કોંગ્રેસને પ્રવેશ નહીં' અને 'પક્ષ બદલી વિચારધારા બદલે એવા વ્યક્તિ પર વિશ્વાસ ન કરાય' તેવા આકરા લખાણવાળા બેનરો લાગતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

અસલમાં આ રોષનું મુખ્ય કારણ ભાજપમાંથી છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયેલા આશિષ જોષી છે. આશિષ જોષી ગત ટર્મમાં ભાજપમાંથી ચૂંટાયા હતા અને તેઓ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના અત્યંત નજીકના માનવામાં આવતા હતા. જોકે, આ વખતે સમીકરણો બદલાતા તેઓ કોંગ્રેસના શરણે ગયા છે. વોર્ડ 15માં આવેલી રણછોડપાર્ક સોસાયટીના રહીશોએ સ્પષ્ટ કર્યું છે કે, જે વ્યક્તિ સત્તા માટે રામની વિચારધારા છોડી દે, તેના પર ભરોસો મૂકી શકાય નહીં. સ્થાનિક રહીશ મુકુંદભાઈના જણાવ્યા મુજબ, સત્તા માટે પક્ષ બદલનારા નેતાઓને સોસાયટીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

વોર્ડ 15 એ માત્ર બે પક્ષો વચ્ચેનો જંગ નથી, પણ ધારાસભ્ય શૈલેષ મહેતા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. પાંચ વર્ષ સુધી જેમને પોતાની આંગળી પકડીને રાજકારણ શીખવ્યું, તેવા આશિષ જોષી જ હવે ધારાસભ્યની સામે પડ્યા છે. હરણી બોટ દુર્ઘટનાના મુદ્દાને લઈને લડત આપી રહેલા આશિષ જોષીએ પોતાની પેનલ મેદાને ઉતારી છે, પરંતુ જનતામાં પક્ષપલટાને લઈને જે રોષ છે તે તેમની જીત આડે મોટું વિઘ્ન બની શકે છે. સોસાયટીઓના રહીશોએ એકસૂરે જણાવ્યું છે કે આ માત્ર શરૂઆત છે, આગામી દિવસોમાં વધુ સોસાયટીઓ આવા પ્રતિબંધિત બેનરો લગાવશે.

રાજકીય કાવાદાવાઓ વચ્ચે કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર એ આવ્યા છે કે વોર્ડ 15ના તેમના ઓબીસી ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. મતદાર યાદીમાં નામ ન હોવાને કારણે ટેકનિકલ કારણોસર તેમનું ફોર્મ રદ થતા કોંગ્રેસે હવે ડમી ઉમેદવાર હિતેશ માછીને મેદાને ઉતારવાની ફરજ પડી છે. આ ઘટનાક્રમે કોંગ્રેસની છાવણીમાં ચિંતા વધારી દીધી છે. વિપક્ષનો આક્ષેપ છે કે આ સત્તાધારી પક્ષના ઈશારે કરવામાં આવ્યું છે, જ્યારે ભાજપ તેને કોંગ્રેસની બેદરકારી ગણાવી રહ્યું છે.

વડોદરાના રાજકીય પંડિતો માને છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ખરો રંગ હવે જોવા મળશે. હજુ તો ઉમેદવારી ફોર્મની ચકાસણી પતી છે અને પ્રચારના શ્રીગણેશ થયા છે, ત્યાં જ જે પ્રકારે પોસ્ટર વોર અને વ્યક્તિગત આક્ષેપો શરૂ થયા છે તે જોતા આગામી દિવસોમાં વડોદરાનું રાજકારણ વધુ ગંદુ અને હિંસક બને તેવી શક્યતા છે. વોર્ડ 15માં પક્ષપલટુઓ સામેનો આ જનઆક્રોશ અન્ય વોર્ડમાં પણ અસર કરશે કે કેમ તે તો મતદાનના દિવસે જ ખબર પડશે, પરંતુ હાલ તો નેતાઓ માટે સોસાયટીઓમાં પ્રવેશવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે.