Loading Please Wait !!!
રાજકોટમાં યોગ દિવસની ઉજવણીમાં હજારો લોકો જોડાયા

 

  • >> રેસકોર્સમાં 1000થી વધુ લોકોએ સામૂહિક યોગાસન કર્યા

  • >> એકવા યોગમાં 157 મહિલા અને બાળકનું અનોખું પ્રદર્શન

  • >> 426 યોગ સેન્ટર શરૂ કરી વર્ષભર નિશુલ્ક તાલીમ અપાશે

સીટી ન્યૂઝ@રાજકોટ

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટમાં વિવિધ સ્થળોએ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધવરાવ સિંધિયા સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં મેયર ડો. નેહલ શુક્લ, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને ધારાસભ્ય રમેશ ટીલાલાની ઉપસ્થિતિમાં ૧૦૦૦થી વધુ લોકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.

જિલ્લા કક્ષાની ઉજવણી ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયા, જિલ્લા કલેક્ટર સહિત ૮૦૦થી વધુ નાગરિકોએ યોગાસનો કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન યોગના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડતા સકારાત્મક પ્રભાવ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રેસકોર્સ સ્વિમિંગ પુલ ખાતે આયોજિત એકવા યોગ કાર્યક્રમ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અહીં ૧૦૭ મહિલાઓ સહિત કુલ ૧૫૭ લોકોએ પાણીમાં વિવિધ યોગાસનો કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મ્યુઝિકલ થીમ આધારિત આ કાર્યક્રમમાં ભાગ લેનારોએ પાણીમાં યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે માહિતી આપી હતી.

મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક ઓળખ મળી છે અને આજે વિશ્વના મોટાભાગના દેશોમાં યોગ અપનાવવામાં આવ્યો છે. રાજકોટમાં યોગને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી શહેરના ૪૨૬ સ્થળોએ યોગ સેન્ટર શરૂ કરવામાં આવશે.

આ સેન્ટરો પર દરરોજ સવારે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી નાગરિકોને નિશુલ્ક યોગ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે. આ માટે જરૂરી યોગ શિક્ષકો અને કોચની વ્યવસ્થા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવશે.

મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક કસરત નથી પરંતુ માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલન અને આધ્યાત્મિક વિકાસનું પણ અસરકારક સાધન છે. તેમણે નાગરિકોને નિયમિત યોગ અપનાવી સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે રાજકોટને 15 Minutes Yoga City Rajkot તરીકે વિકસાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વર્ષભર યોગ અંગે વિવિધ પ્રવૃત્તિઓ યોજીને વધુમાં વધુ નાગરિકોને યોગમય જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ કાર્યક્રમોમાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત વિવિધ વયજૂથના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં યોગ દિવસની ઉજવણીને યાદગાર બનાવવામાં સફળતા મળી હતી.