“નાણામંત્રીના 1 ટકા બેરોજગારીનો દાવો ભ્રામક, યુવાનો સાથે અન્યાય: કોંગ્રેસ”
-
15 થી 50 વર્ષના અંદાજિત 4.5 કરોડ લોકોના વિશાળ વસ્તીજૂથ વચ્ચે રોજગારીની સાચી સ્થિતિ છુપાવવાનો પ્રયાસ
-
માત્ર 10,000 રૂપિયાની રોજગાર લોન અને ટૂંકાગાળાના કોર્સને 'રોજગાર' ગણાવી આંકડાકીય માયાજાળ રચતી સરકાર
-
અધિકારીઓ નાણામંત્રીને ગેરમાર્ગે દોરવાને બદલે વાસ્તવિકતાનો અરીસો બતાવે તેવી અપીલ
સીટી ન્યૂઝ@અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલા “ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર ૧ ટકા છે” એવા દાવા સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા અને મીડિયા કોર્ડિનેટર હેમાંગ મહિપતરામ રાવલે આ દાવાને વાસ્તવિકતા વિરુદ્ધ ગણાવી રાજ્યના લાખો બેરોજગાર યુવાનોનું અપમાન હોવાનું જણાવ્યું છે.
હેમાંગ રાવલે જણાવ્યું હતું કે બેરોજગારીનો દર સામાન્ય રીતે શ્રમબળના આધારે નક્કી કરવામાં આવે છે. જો ખરેખર બેરોજગારીનો દર ૧ ટકા હોય તો તેનો અર્થ એ થાય છે કે દર ૧૦૦ યુવાનોમાંથી ૯૯ યુવાનોને રોજગારી મળી રહી છે, જે જમીની હકીકત સાથે મેલ ખાતું નથી.
તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં ૧૫ થી ૫૦ વર્ષની વયજૂથમાં અંદાજે ૪.૫ કરોડ લોકોનો સમાવેશ થાય છે અને આટલી મોટી વસ્તી વચ્ચે રોજગારીની વાસ્તવિક સ્થિતિ છુપાવવાનો પ્રયાસ થયો છે. સરકાર રોજગારીના આંકડા રજૂ કરતી વખતે વિવિધ યોજનાઓ અને તાલીમ કાર્યક્રમોને પણ રોજગાર તરીકે ગણતરીમાં સામેલ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
કોંગ્રેસના જણાવ્યા મુજબ, પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ મળતી નાની લોન અથવા NSDCના ટૂંકાગાળાના કોર્સ પૂર્ણ કર્યા બાદ મળતી કામચલાઉ તકોને પણ રોજગારના આંકડાઓમાં દર્શાવવામાં આવે છે, જેના કારણે બેરોજગારીનું સાચું ચિત્ર સામે આવતું નથી.
રોજગાર કચેરીઓને સક્રિય કરવાની માંગ
હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અગાઉ રોજગાર કચેરીઓમાં બેરોજગાર યુવાનોની નોંધણી થતી હોવાથી બેરોજગારીના સાચા આંકડા ઉપલબ્ધ થતા હતા. હાલ રોજગાર નોંધણી વ્યવસ્થા નબળી પડી હોવાથી વાસ્તવિક સ્થિતિ જાણી શકાતી નથી. તેમણે રાજ્યના વહીવટી અધિકારીઓને અપીલ કરી હતી કે તેઓ સરકારને વાસ્તવિક માહિતી આપે અને રોજગારી સંબંધિત સાચા આંકડા જાહેર કરવામાં આવે. કોંગ્રેસે જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનોને આંકડાકીય દાવાઓ નહીં પરંતુ કાયમી અને ગુણવત્તાયુક્ત રોજગારીની જરૂર છે. પક્ષે સરકારને બેરોજગારીના પ્રશ્નને ગંભીરતાથી લઈને લાંબા ગાળાની રોજગારીની તકો ઊભી કરવા અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.