Loading Please Wait !!!
વૃદ્ધના વિરોધ પછી તંત્ર નમ્યું દિવાળી સુધી રાહત !

જર્જરિત ક્વાટર્સના નળ જોડાણ કપાતા લોકોમાં રોષ

મેયરની માનવતા; ગુજરાત હાઉસીંગ બોર્ડના 792 આવાસનું ડિમોલીશન પ્રશ્ને રજૂઆત બાદ મેયરે સમય આપ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૦માં શહિદ ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના ૭૯૨ ભયજનક આવાસો ખાલી કરાવવા નોટિસ આપ્યા બાદ આજે (૨૨ જૂન સવારે નળ જોડાણ કાપવાનું શરૂ કરાતા સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો હતો. નળ કનેક્શન કપાવાના ડરે એક વૃદ્ધ તો ખાડામાં સૂઈ ગયા હતા. દરમિયાન સ્થાનિકોનું ટોળું મનપા કચેરી ખાતે પહોંચ્યું હતું અને મેયરને રજૂઆત કરી હતી. મેયરે જર્જરિત ક્વાર્ટરના રિપેરિંગ માટે દિવાળી સુધીનો સમય આપ્યો અને સાથે એમ પણ કહ્યું કે, જો આ દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિ થશે તો તેની જવાબદારી જે તે મકાન ધારકની જ રહેશે.

ગોકુલનગર હાઉસીંગ સોસાયટીના પ્રમુખ જયેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે, આવાસોના નળ અને વીજ જોડાણ કાપવાની કામગીરી શરૂ થતાં જ તમામ ક્વાર્ટર ધારકો મેયરને રૂબરૂ મળવા પહોંચ્યા હતા. મેયરનો અમને ખૂબ જ સારો અને સંતોષકારક પ્રતિભાવ મળ્યો જે બદલ મેયરનો આભાર માનીએ છીએ. અમારે ત્યાં અમુક જર્જરિત ક્વાર્ટર છે, જેનું રિપેરિંગ કરવા માટે સમય આપવાની અમારી માંગણી હતી, જેથી અત્યારે અમને ૪ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અમારા નળ કે વીજ જોડાણ નહીં કપાય. જે માટે અમને એવું કહ્યું કે, કોઈ જાનહાનિ થશે તો કોર્પોરેશન ની જવાબદારી નહીં રહે, પરંતુ અમારી જવાબદારી રહેશે તેવું લેખિતમાં આપવા માટે જણાવવામાં આવ્યું છે.