ચોમાસામાં ધૂળથી ખાડા પૂર્યા તંત્રની અક્કલને સલામ
- નગર પીપળિયાના રોડમાં ધૂળ નાખી ખાડા પૂરતું તંત્ર ચોમાસા પહેલા જ ફેલ !
- વરસાદ આવ્યા બાદ ફરી એ જ હાલત થવાની
- ભાડલા ભોયરા; પડધરીના ભાડુકા-પીપળીયા રોડ બિસ્માર આ છે વિકાસ ! રસ્તો નહીં ખાડાઓનો ખજાનો; હાડકા તૂટવાની 100% ગેરંટી !
- તંત્ર ક્યારે જાગશે કે પછી દર વર્ષે આ જ નાટક ચાલતું રહેશે?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લાના પડધરીના ભાડુકા અને નગર પીપળીયા રોડની હાલત પર સિટી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું તો ખરા, પરંતુ કામ જોઈને લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. ખાડા પૂરવા માટે પેચવર્ક કે મરામત કરવાની જગ્યાએ માત્ર ધૂળ નાખીને કામ પૂરું કરાઈ રહ્યું છે જે સીધી રીતે નાટક સમાન ગણાઈ રહ્યું છે.
સ્થાનિક લોકોના મતે, આ રોડ પર હાલ જે કામ ચાલી રહ્યું છે તે માત્ર દેખાવ માટે છે. ચોમાસું માથે છે અને માત્ર એક ઈંચ વરસાદ પડે એટલે આ ધૂળ પાણીમાં વહી જશે અને રોડની હાલત ફરી એ જ થવાની એટલે કે "શૂન્ય પરિણામ".
સૌથી મોટો સવાલ એ છે કે તંત્રને એટલું પણ સમજાતું નથી કે ધૂળ નાખવાથી ખાડા નહીં ભરાય, પણ સરકારી પૈસા પાણીમાં જશે? લોકોમાં ભારે નારાજગી છે કે વર્ષોથી ખરાબ હાલતમાં રહેલા આ રોડ માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. હોસ્પિટલ, શાળા અને દૈનિક અવરજવર માટે આ રોડ મહત્વનો હોવા છતાં તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે.