Loading Please Wait !!!
ખરાબ હવામાનમાં હાઇવે પર સ્પીડ ઘટાડવી જ પડશે (

  • નિયમ તોડ્યો તો સીધું ઈ-ચલાન ઈમેઈલ પર આવશે, અકસ્માતો રોકવા સરકારનો કડક નિર્ણય
  • ચોમાસાથી નવો નિયમ લાગુ, સ્પીડ લિમિટ 120 માંથી સીધી 60 થી 80 કરાશે
  • ધુમ્મસ અને વરસાદમાં હાઇટેક સેન્સર્સ રાખશે નજર, ઓટોમેટિક કપાશે ચલાન

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ભારતના નેશનલ હાઇવે અને એક્સપ્રેસ-વે પર મુસાફરી કરનારાઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. દેશમાં પહેલીવાર ચોમાસા, ધૂળભરી આંધી, તોફાન અથવા ગાઢ ધુમ્મસ જેવા ખરાબ હવામાન દરમિયાન એક્સપ્રેસ-વે પર વાહનોની સ્પીડ લિમિટ ઘટાડીને 60 થી 80 કિમી પ્રતિ કલાક કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય આ ચોમાસાથી જ દેશના પસંદગીના હાઇવે પર ડાયનામિક સ્પીડ લિમિટ સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યું છે. જો કે, સામાન્ય અને સાફ હવામાનમાં કારોની મહત્તમ ગતિ 100 અને એક્સપ્રેસ-વે પર 120 કિમી પ્રતિ કલાકની યથાવત રહેશે. ખરાબ હવામાનમાં જો કોઈ ચાલક આ નવી નિયત સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરશે, તો તેનું ઈ-ચલાન સીધું તેના રજિસ્ટર્ડ મેઈલ આઈડી પર મોકલી દેવામાં આવશે.

આ નવીનતમ ટેકનિક અંતર્ગત હાઇવે પર જગ્યાએ-જગ્યાએ અત્યાધુનિક વિઝિબિલિટી સેન્સર અને વેધર સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સેન્સર્સ હવામાનની સ્થિતિ પારખીને ત્વરિત માહિતી NHAI ના મુખ્ય ટ્રાફિક મેનેજમેન્ટ સેન્ટરને મોકલશે. ત્યાંથી રીયલ-ટાઇમમાં રોડ પર લાગેલા મોટા ડિજિટલ બોર્ડ અને ડ્રાઇવરોના મોબાઈલ સુધી સુરક્ષા એલર્ટ પહોંચાડવામાં આવશે. આ માટે જીઓ-ફેન્સિંગ અને સેલ બ્રોડકાસ્ટ ટેકનિકનો ઉપયોગ કરાશે, જેના કારણે પ્રભાવિત વિસ્તારમાં આવતા જ ચાલકના મોબાઈલ પર ઇન્ટરનેટ વગર પણ ચેતવણીનો મેસેજ આવી જશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, IIT ના નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલા મોડેલ મુજબ આ સિસ્ટમથી એક્સપ્રેસ-વે પર થતા અકસ્માતોમાં 70 થી 80 ટકા સુધીનો મોટો ઘટાડો લાવી શકાશે.

સરકારી આંકડા અનુસાર, ભારતમાં દર વર્ષે આશરે 1.5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે, જેમાંથી 17 ટકા એટલે કે લગભગ 25,000 મોતો માત્ર ખરાબ હવામાનમાં ઓછી વિઝિબિલિટીના કારણે થાય છે. જર્મનીના પ્રખ્યાત ઓટોબાન અને યુરોપિયન દેશોમાં આ ટેકનિક ખૂબ જ સફળ રહી છે અને ત્યાં અકસ્માતો લગભગ શૂન્ય થઈ ગયા છે. ભારતમાં પ્રથમ તબક્કામાં આ પ્રયોગ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે અને ઉત્તર પ્રદેશના ગંગા એક્સપ્રેસ-વેના કેટલાક ભાગો પર પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ, આગામી વર્ષના મધ્ય સુધીમાં તેને દેશના તમામ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને અકસ્માતોની દ્રષ્ટિએ સંવેદનશીલ એવા બ્લેક-સ્પોટવાળા હાઇવે પર પૂર્ણપણે લાગુ કરી દેવામાં આવશે.

આધુનિક સડક સુરક્ષા પ્રણાલી હાઇવે પર અકસ્માતો નિવારવા માટે લાગુ કરવામાં આવી રહેલી આ ડાયનામિક સ્પીડ સિસ્ટમ સંપૂર્ણપણે સેન્સર્સ આધારિત છે. આ અંતર્ગત રસ્તા પર ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ દ્વારા વાહનચાલકોને ગતિ મર્યાદાની લાઈવ માહિતી સતત મળતી રહેશે. આ વૈશ્વિક સ્તરની ટેકનોલોજી ભારતીય રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવશે અને પ્રતિકૂળ હવામાનમાં કિંમતી માનવ જિંદગીઓ બચાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.