Loading Please Wait !!!
બંગાળમાં બીજા તબક્કાના વોટિંગ પહેલા ED ત્રાટકી: રાશન કૌભાંડમાં કોલકાતા સહિત 9 સ્થળોએ દરોડા, રાજકારણમાં ખળભળાટ

 

  • ગરીબોનું અનાજ બારોબાર વેચવાના કેસમાં એક્સપોર્ટરો અને સપ્લાયરો સકંજામાં- કરોડોના નાણાકીય વ્યવહારોના દસ્તાવેજો જપ્ત

  •  નુસરત જહાંની પૂછપરછ બાદ તપાસ તેજ- મની લોન્ડરિંગના પુરાવા શોધવા તપાસનીશ એજન્સીઓએ એડીચોટીનું જોર લગાવ્યું

  •  કોલકાતામાં હાઈ-પ્રોફાઈલ સર્ચ ઓપરેશન- એક્સપોર્ટરો દ્વારા નાણાં વિદેશ મોકલાયા હોવાની શંકાએ તપાસની દિશા બદલી

    કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યારે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં હાથ ધરવામાં આવેલી દરોડાની કાર્યવાહીએ રાજકીય ખળભળાટ મચાવી દીધો છે. રાશન કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસમાં ED ની ટીમોએ શનિવારે વહેલી સવારથી કોલકાતા, બર્દવાન અને હાબરા સહિત ૯ સ્થળોએ સામૂહિક દરોડા પાડ્યા છે.

    તપાસનીશ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી એવા લોકો પર કરવામાં આવી છે જેઓ રાશન કૌભાંડના મુખ્ય સપ્લાયરો અને એક્સપોર્ટરો સાથે સીધું જોડાણ ધરાવે છે. આરોપ છે કે ગરીબો માટેનું સરકારી અનાજ બારોબાર વેચી દેવામાં આવ્યું હતું અને તેમાંથી મળેલા નાણાંનું મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અધિકારીઓએ અનેક શંકાસ્પદ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે, જે મોટા નાણાકીય વ્યવહારો તરફ ઈશારો કરે છે.

    ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં થોડા દિવસો પહેલા જ તૃણમૂલ કોંગ્રેસની પૂર્વ સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જેઓ બુધવારે ED કાર્યાલયે હાજર થયા હતા. બંગાળમાં પ્રથમ તબક્કાની ૧૫૨ બેઠકો પર ૯૨ ટકા જેટલું રેકોર્ડબ્રેક મતદાન થયું છે, જે દર્શાવે છે કે જનતામાં મોટો ઉત્સાહ છે. હવે જ્યારે ૨૯મી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે ED ની આ સક્રિયતાથી રાજ્યમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર વધુ તેજ બન્યો છે. વિપક્ષો તેને ભ્રષ્ટાચારનો પર્દાફાશ ગણાવી રહ્યા છે, જ્યારે સત્તાધારી પક્ષ તેને ચૂંટણી સમયે હેરાન કરવાની રણનીતિ ગણાવી રહ્યો છે.