Loading Please Wait !!!
કલકત્તા હાઈકોર્ટે ચૂંટણી પંચને ખંખેર્યું: "તમે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો, લોકોના અધિકારો પર કાપ ન મૂકી શકો"

 

  • બાઈક પર પ્રતિબંધના આદેશને કોર્ટે ફગાવ્યો; હાઈકોર્ટનો વેધક સવાલ- "કારો પર પ્રતિબંધ કેમ નહીં? તેમાં તો બોમ્બ પણ લઈ જઈ શકાય"

  •  જસ્ટિસ કૃષ્ણા રાવની આકરી ટકોર- "અધિકારીઓની નિષ્ફળતા છુપાવવા જનતાને હેરાન ન કરો," પાંચ વર્ષની હિંસાનો માંગ્યો હિસાબ

  •  મતદાનના બે દિવસ અગાઉથી લાદવામાં આવેલી પાબંદી ગેરબંધારણીય- બાઈક રેલી પર પ્રતિબંધ યથાવત પણ અવરજવરને મળી છૂટ

    કોલકાતા: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન પૂર્વે કલકત્તા હાઈકોર્ટે ચૂંટણી પંચની કાર્યપ્રણાલી સામે લાલ આંખ કરી છે. મતદાનના બે દિવસ અગાઉથી જ બાઈક ચલાવવા પર પ્રતિબંધ મૂકતા ચૂંટણી પંચના વિવાદાસ્પદ આદેશને હાઈકોર્ટે ફગાવી દીધો છે. ન્યાયમૂર્તિ કૃષ્ણા રાવે વેધક શબ્દોમાં ટકોર કરી હતી કે ચૂંટણી પંચ પોતાની સત્તાનો બંગાળમાં દુરુપયોગ કરી રહ્યું છે અને આવા અતાર્કિક નિર્ણયોથી સામાન્ય નાગરિકોના મૂળભૂત અધિકારો પર કાપ મૂકી શકાય નહીં.

    ચૂંટણી પંચે તાજેતરમાં એક નોટિફિકેશન જારી કરીને ચૂંટણીના બે દિવસ પહેલા રાત્રિના સમયે બાઈક ચલાવવા, દિવસે બાઈક રેલી કાઢવા અને બાઈક પર પાછળ કોઈને પણ બેસાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો. આ નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે પૂછ્યું હતું કે, "તમે માત્ર બાઈકને જ કેમ નિશાન બનાવી રહ્યા છો? જો સુરક્ષાનો પ્રશ્ન હોય તો કારો પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ગુનેગારો તો કારનો ઉપયોગ બોમ્બ અને બંદૂકોની હેરાફેરી માટે પણ કરી શકે છે." કોર્ટે વધુમાં સવાલ કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં બાઈક સવારોએ હિંસા ફેલાવી હોય તેવી કેટલી ઘટનાઓ બની છે તેનો જવાબ રજૂ કરો.

    હાઈકોર્ટે આકરા વલણ સાથે અવલોકન કર્યું હતું કે આ બધું જ માત્ર અધિકારીઓની નિષ્ફળતા છુપાવવા માટે કરવામાં આવી રહ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચ સામુહિક રીતે જનતા પર આવા પ્રતિબંધો લાદી શકે નહીં. જોકે, હાઈકોર્ટે શાંતિપૂર્ણ મતદાન માટે મતદાનના દિવસે યોજાતી બાઈક રેલીઓ પરના પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો હતો, પરંતુ સામાન્ય જનતાની અવરજવર અને રાત્રિના સમયે બાઈક ચલાવવા પરની રોકને ગેરબંધારણીય ગણાવી રદ કરી દીધી છે.

    આ ચુકાદાથી બંગાળના લાખો બાઈક સવારોને મોટી રાહત મળી છે. કોર્ટે અંતે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાને બહાને નાગરિકોને પરેશાન કરવા તે સત્તાનો અતિરેક છે. હવે બીજા તબક્કાના મતદાન પૂર્વે ચૂંટણી પંચે પોતાના સુરક્ષા પ્લાનમાં ફેરફાર કરવો પડશે. હાઈકોર્ટની આ ફટકાર બાદ બંગાળના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે અને વહીવટી તંત્રની નિષ્ફળતા અંગેની ચર્ચાઓ તેજ બની છે.