Loading Please Wait !!!
AAP માં ‘રાઘવ’ નો બળવો, પણ ટેકનિકલ પેચ ફસાયો: 7 સાંસદોના ભાજપમાં વિલય પર સભાપતિની મંજૂરી બાકી

 

  • પક્ષાંતર વિરોધી કાયદાની જાળમાં અટવાઈ શકે છે સાંસદ પદ? મીડિયા સમક્ષ માત્ર 3 જ નેતાઓની હાજરીએ જગાવી અનેક શંકાઓ

  •  સિદ્ધાંતોના નામે પક્ષપલટો- શું સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ ખરેખર રાઘવની સાથે છે? ગેરહાજર 4 સાંસદોનું રહસ્ય અકબંધ

  •  નિતિન નવીન સાથે મુલાકાત બાદ ચિત્ર સ્પષ્ટ- પણ સહીવાળા પત્ર પર સભાપતિના મંજૂરીની મહોર બાદ જ ગણાશે ભાજપના સભ્ય

    નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) માટે અત્યાર સુધીનું સૌથી મોટું રાજકીય સંકટ ઊભું થયું છે. પાર્ટીના તેજતર્રાર નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરીને દિલ્હીથી પંજાબ સુધી હડકંપ મચાવી દીધો છે. શુક્રવારે રાઘવ ચઢ્ઢાએ સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સાથે મુલાકાત કરી હતી. જોકે, આ ભવ્ય પક્ષપલટા પાછળ એક જટિલ ‘ટેકનિકલ અડચણ’ અને સાંસદોની ગેરહાજરીએ અનેક સવાલો ઉભા કર્યા છે.

    રાઘવ ચઢ્ઢાનો દાવો છે કે રાજ્યસભાના કુલ ૧૦ માંથી ૭ (બે-તૃતીયાંશ) સાંસદો તેમની સાથે છે, જે પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરવા માટે જરૂરી લઘુત્તમ સંખ્યા છે. આ વિલયને કાયદેસર બનાવવા માટે તેમણે તમામ ૭ સાંસદોની સહીવાળો પત્ર રાજ્યસભાના સભાપતિને સોંપી દીધો છે. પરંતુ, જ્યાં સુધી સભાપતિ આ પત્રની ખરાઈ કરી તેને સત્તાવાર મંજૂરી ન આપે ત્યાં સુધી આ સાંસદો કાયદેસર રીતે ભાજપના સભ્ય ગણાશે નહીં. જો તપાસ દરમિયાન કોઈ પણ સાંસદની સહી ખોટી જણાશે અથવા કોઈ સાંસદ પલટી મારશે તો તમામ ૭ સાંસદોનું સભ્યપદ જોખમમાં મુકાઈ શકે છે.

    સૌથી મોટું રહસ્ય એ ૪ સાંસદોનું છે જેઓ જાહેરાત સમયે હાજર નહોતા. સ્વાતિ માલીવાલ ઉત્તર-પૂર્વમાં રજા પર હોવાનું, હરભજન સિંહ IPL માં વ્યસ્ત હોવાનું, અને રાજેન્દ્ર ગુપ્તા વિદેશમાં સારવાર હેઠળ હોવાનું કારણ અપાયું છે. જ્યારે વિક્રમજીત સાહનીએ નાદુરસ્ત તબિયતનું બહાનું કાઢી મૌન સેવ્યું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું આ ૪ સાંસદો ખરેખર રાઘવ ચઢ્ઢાના આ નિર્ણય સાથે સહમત છે કે પછી પડદા પાછળ હજુ કોઈ રમત રમાઈ રહી છે?

    પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચઢ્ઢા અત્યંત ભાવુક દેખાયા હતા. તેમણે ‘આપ’ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, "જે પાર્ટીને મેં લોહી-પરસેવાથી સીંચી હતી, તે હવે ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થના રસ્તે ભટકી ગઈ છે. મને અનુભવાયું કે હું ખોટી પાર્ટીમાં ફસાયેલો સાચો માણસ છું." રાઘવનો આ બળવો પંજાબની ભગવંત માન સરકાર માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. હવે સૌની નજર રાજ્યસભાના સભાપતિના નિર્ણય પર ટકેલી છે, જે નક્કી કરશે કે ‘આપ’ ના આ ૭ સિતારાઓ ભાજપના આંગણે કાયમી વસવાટ કરશે કે નહીં.