શ્રી સાંવલિયા શેઠના દરબારમાં શ્રદ્ધાનો મહાસાગર: એક જ મહિનામાં રૂા. 41.67 કરોડનું દાન, તોડ્યા અત્યાર સુધીના તમામ રેકોર્ડ
-
ચિત્તોડગઢના મંદિરે રચ્યો ઇતિહાસ- સાત રાઉન્ડની ગણતરી બાદ ભંડારમાંથી નીકળ્યો કરોડોનો ખજાનો; સોના-ચાંદીની પણ વર્ષા
-
રોકડ ઉપરાંત ₹3 કરોડનું સોનું-ચાંદી ભેટમાં મળ્યું- વિદેશી ચલણ અને ચેકનો પણ મોટો જથ્થો; ADM પ્રભા ગૌતમે આપી વિગત
-
સાત તબક્કે ચાલેલી ગણતરી પૂર્ણ- 16 એપ્રિલે ખુલેલી તિજોરીએ વહીવટીતંત્રને પણ ચોંકાવ્યું; ભક્તોની ભીડ સાથે દાનમાં પણ ધરખમ વધારો
ચિત્તોડગઢ: રાજસ્થાનના મેવાડમાં સ્થિત પ્રસિદ્ધ શ્રી સાંવલિયા શેઠ મંદિરે દાનની બાબતમાં નવો વૈશ્વિક વિક્રમ સ્થાપિત કર્યો છે. 18 માર્ચથી 16 એપ્રિલ સુધીના માત્ર 29 દિવસના સમયગાળામાં મંદિરને કુલ રૂા. 41.67 કરોડનું દાન પ્રાપ્ત થયું છે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ રકમ કોઈ પણ એક મહિના દરમિયાન મળેલી અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે.
મંદિર બોર્ડના એડીએમ અને સીઈઓ પ્રભા ગૌતમે માહિતી આપતા જણાવ્યું કે, 16 એપ્રિલના રોજ ચતુર્દશીના પવિત્ર દિવસે મંદિરનો ભંડાર ખોલવામાં આવ્યો હતો. ત્યારબાદ સાત અલગ-અલગ રાઉન્ડમાં દાનની ગણતરી કરવામાં આવી હતી. આ ગણતરીના અંતે ભંડારમાંથી રૂા. 33.21 કરોડ રોકડા પ્રાપ્ત થયા હતા. આ ઉપરાંત, ભેટ કક્ષ અને ઓનલાઈન ચેનલો દ્વારા રૂા. 8.45 કરોડની વધારાની આવક થઈ હતી. શ્રદ્ધાળુઓએ રોકડની સાથે સોના-ચાંદીના દાગીના પણ મોટા પ્રમાણમાં અર્પણ કર્યા છે, જેમાં 1 કરોડનું સોનું અને 2 કરોડની ચાંદીનો સમાવેશ થાય છે.
સોના-ચાંદીના વજન અંગે વિગતો આપતા રાજસ્થાન સરાફા સંઘના મહામંત્રી કિશન પિચોલિયાએ જણાવ્યું કે કુલ 660.5 ગ્રામ સોનું અને 84.6 કિલોગ્રામ ચાંદી પ્રાપ્ત થઈ છે. ગણતરીના પ્રથમ દિવસે જ 11 કરોડ રૂપિયા ગણાયા હતા, જે બાદ ક્રમશઃ સાત દિવસ સુધી પ્રક્રિયા ચાલી હતી. આ અગાઉ નવેમ્બર 2025માં બે મહિનાના સંયુક્ત ભંડારમાં 51 કરોડ રૂપિયા મળ્યા હતા, પરંતુ સિંગલ મહિનાની સરખામણીમાં આ વખતનું 41 કરોડનું દાન સૌથી મોટો રેકોર્ડ છે. મંદિર પ્રશાસન મુજબ, વિદેશી ચલણ અને ચેકની ગણતરી પ્રક્રિયા હજુ અલગથી ચાલી રહી છે, જે બાદ આ આંકડો હજુ વધી શકે છે.